<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

કચ્છના પ્રવાસનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવા કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગની પહેલ: ટુરિસ્ટ ગાઇડ્સને સ્ટોરી ટેલિંગ, સસ્ટેનેબલ ટુરિઝમ પ્રોટોકોલ સહિત સ્માર્ટ ટુરિસ્ટ ગાઇડન્સની તાલીમ અપાશે

ગુજરાત ટુરિઝમના સહયોગથી કચ્છના લાયસન્સ પ્રાપ્ત ટુરિસ્ટ ગાઈડ્સ માટે ૬-દિવસીય રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૯ :  કચ્છના વૈશ્વિક પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનો સમૃદ્ધ અનુભવ પૂરો પાડવાના અતિ મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સાથે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના જીઓસાયન્સ વિભાગ દ્વારા એક વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ (TCGL), ગુજરાત સરકાર દ્વારા ખાસ સ્વીકૃત અને ફંડેડ આ "રિફ્રેશર ટ્રેનિંગ પ્રોગ્રામ ફોર લાઈસન્સ ટુરિસ્ટ ગાઈડ્સ" આગામી તારીખ ૩ ઓગસ્ટ ૨૦૨૬ થી ૮ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન કચ્છ યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. આ તાલીમ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપતાં પ્રોગ્રામના કોર્સ કોઓર્ડિનેટર ડૉ. ગૌરવ ડી. ચૌહાણ (હેડ- જીઓસાયન્સ, આર્કિઓલોજી, સંશોધન અને વિકાસ વિભાગ તેમજ નોડલ ઓફિસર- ટુરિઝમ પ્રવૃત્તિઓ) એ જણાવ્યું હતું કે, કચ્છના આગામી રણ ઉત્સવ અને શિયાળુ પ્રવાસન સીઝન શરૂ થાય તે પૂર્વે જ સ્થાનિક લાઈસન્સપ્રાપ્ત ગાઈડોની ક્ષમતા, વાર્તા કહેવાની કળા અને ડિજિટલ કૌશલ્યમાં વધારો કરવાના હેતુથી આ પ્રોજેક્ટ પ્રપોઝલ TCGL સમક્ષ રજૂ કરાયું હતું જેને મંજૂરી મળતાં હવે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે.  

આ ૬-દિવસીય સઘન સૈદ્ધાંતિક અને ક્ષેત્રીય તાલીમ દરમિયાન કચ્છના વિવિધ આયામોને આવરી લેવામાં આવ્યા છે. જેમાં યુનેસ્કો વિશ્વ વિરાસત સ્થળ ધોળાવીરા, જૂના ખાટીયા પુરાતત્વીય ક્ષેત્ર અને કચ્છના ઐતિહાસિક કિલ્લાઓ જેવા વારસાના સ્થળોના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી લઈને, ૧૭ કરોડ વર્ષ જૂના અશ્મિઓ ધરાવતા ફોસિલ પાર્ક, સ્મૃતિવન અર્થક્વેક મેમોરિયલ અને ભૂસ્તરશાસ્ત્રીય જીઓટુરિઝમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રેટ રણ ઓફ કચ્છ, છારી ઢંઢ વેટલેન્ડ, પક્ષી દર્શન અને પર્યાવરણ અનુકૂળ સસ્ટેનેબલ ટુરિઝમના પ્રોટોકોલ શીખવવામાં આવશે. ભારત સરહદના ઇન્ડિયા બ્રિજ, લખપત, નારાયણ સરોવર, કોટેશ્વર અને માંડવીના દરિયાકાંઠાના પ્રવાસન સાથે કચ્છની સુપ્રસિદ્ધ અજરખ, રોગન, બાંધણી જેવી હસ્તકળાઓ, કચ્છી ભુંગા સ્થાપત્ય અને સ્વાદિષ્ટ વાનગીઓના સામાજિક-સાંસ્કૃતિક મહત્વને વ્યાપકપણે આવરી લેવાશે.  

વર્તમાન આધુનિક યુગ સાથે કદમ મિલાવવા માટે ગાઈડ્સને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI Tools), ડિજિટલ સ્ટોરીટેલિંગ, ઓનલાઇન રિવ્યુ મેનેજમેન્ટ, સોશિયલ મીડિયા પ્રોમોશન અને સ્માર્ટ ટુરિઝમ ગાઇડન્સની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. તાલીમ દરમિયાન આંતરરાષ્ટ્રીય ગાઈડિંગ સ્ટાન્ડર્ડ્સ, પ્રવાસી સુરક્ષા, ફર્સ્ટ એઇડ, ઈમરજન્સી મેનેજમેન્ટ અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા પ્રવાસીઓ સાથેના ઉત્કૃષ્ટ સંવાદ કૌશલ્ય પર વિશેષ ભાર મૂકાશે. આ વર્ગખંડ શિક્ષણ ઉપરાંત મધ્ય, પૂર્વ અને પશ્ચિમ કચ્છના પ્રવાસન ક્ષેત્રો પર ૨ દિવસના સઘન ફીલ્ડ એક્સકર્શન લૂપ્સ પણ યોજાશે, જેમાં ઓન-સાઇટ ગાઇડિંગ સિમ્યુલેશન, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અને પ્રત્યક્ષ વ્યવહારિક મૂલ્યાંકન લેવામાં આવશે.  

આ સમગ્ર તાલીમમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI) ના નિષ્ણાતો, અગ્રણી ભૂસ્તરશાસ્ત્રીઓ, પર્યાવરણવિદો, હસ્તકળા તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્રના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના વિષય નિષ્ણાતો સશક્ત માર્ગદર્શન પૂરું પાડશે. સફળતાપૂર્વક મૂલ્યાંકન પૂર્ણ કરનાર લાઈસન્સપ્રાપ્ત ગાઈડોને ગુજરાત પ્રવાસન (TCGL) અને કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે માન્યતા પ્રાપ્ત "Certified Master of Advanced Heritage Interpretation and Digital Guiding Systems" નું અધિકૃત પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ આયોજનથી કચ્છના પ્રવાસન ઉદ્યોગને નવો આંતરરાષ્ટ્રીય વિસ્તાર મળશે અને સ્થાનિક ગાઈડોના આત્મવિશ્વાસ તેમજ આવકમાં નોંધપાત્ર વધારો થશે.

(1:45 PM IST)