<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ભુજના SOS ચિલ્ડ્રન વિલેજમાં માસૂમ બાળકો ઉપર અમાનવીય અત્યાચાર:હાઉસ મધર દ્વારા મારપીટ, ગાળો અને બાળકોના મોઢા પર માનવ મળ ફેંકવાનો ગંભીર આક્ષેપ

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરાયા બાદ પોલીસની તપાસ શરૂ, મેનેજમેન્ટ પણ દોષી, અમાનવીય કૃત્યો દ્વારા બાળ અધિકારોનું શોષણ કરવા અંગે બાળ સુરક્ષા એકમે ધ્યાન દોરવા છતાયે મેનેજમેન્ટ દ્વારા પગલાં ન ભરાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૨ : ભુજની ભાગોળે ભુજોડી ઓવરબ્રિજ અને ગડા પાટિયા પાસે આવેલા SOS ચિલ્ડ્રન વિલેજમાં આશ્રય મેળવી રહેલા સગીર બાળકો સાથે કથિત રીતે અમાનવીય વર્તન કરવામાં આવતું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. બાળકોની સંભાળ માટે હાઉસ મધર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી સામે મારપીટ, અપશબ્દો અને અત્યાચારના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ બાબુલાલ ડોરિયાની ફરિયાદના આધારે માધાપર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, સંસ્થામાં રહેતા કેટલાક સગીર બાળકો સાથે નાની-નાની બાબતોમાં ઉશ્કેરાઈ જઈ મારપીટ કરવામાં આવતી હોવાના તેમજ તેમને ગાળો આપવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં બાળકોના મોઢા પર માનવ મળ ફેંકવામાં આવ્યું હોવાનો પણ અત્યંત ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સંસ્થામાં રહેતા આશરે આઠ જેટલા બાળકો ભય અને માનસિક આઘાતમાં મુકાયા હોવાની વિગતો સામે આવી છે.

*જિલ્લા બાળ સુરક્ષા વિભાગની તપાસ બાદ ફરિયાદ*

બાળકો સાથે કથિત દુર્વ્યવહારની માહિતી મળ્યા બાદ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકો સાથે કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન તેમની સાથે કથિત રીતે થયેલા દુર્વ્યવહાર અંગેની વિગતો સામે આવી હતી. ત્યારબાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માધાપર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે મે ૨૦૨૬ થી સંસ્થામાં હાઉસ મધર તરીકે જોડાયેલા આરોપી લતીફા બેગમ સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 75 સહિત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની લાગુ પડતી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

SOS ચિલ્ડ્રન વિલેજમાં નિરાધાર અને જરૂરિયાતમંદ બાળકોને આશ્રય, સંભાળ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. આવા સ્થળે જ બાળકો સાથે કથિત રીતે થયેલા અમાનવીય વર્તનના આક્ષેપો સામે આવતા સંસ્થાની આંતરિક દેખરેખ અને બાળકોની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે.

બાળ સુરક્ષા વિભાગના ધ્યાન પર અગાઉ પણ બાળકો સાથેના કથિત દુર્વ્યવહાર અંગે બાબત મૂકવામાં આવી હોવા છતાં યોગ્ય સમયે અસરકારક પગલાં લેવાયા કે નહીં તે અંગે હવે સંસ્થાના મેનેજમેન્ટની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બાળકોની સુરક્ષા અને સંભાળ માટે જવાબદાર સંસ્થા દ્વારા ફરિયાદો અંગે શું કાર્યવાહી કરવામાં આવી હતી તે બાબતે પણ તપાસ જરૂરી બની છે.

આક્ષેપો અંગે થયેલ પોલીસ ફરિયાદને પગલે પોલીસની તપાસ ચાલુ હોવાથી ઘટનાની હકીકત અને જવાબદારી અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના વિવિધ પાસાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

(9:32 AM IST)