<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

જુનાગઢમાં સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ, દ્વારા ચાર પ્રશ્‍ને સરકાર સામે બાંયો ચડાવી

ફી મંજૂરીની પ્રક્રિયા સરળ બનાવવા, આરટીઇની ફી ચૂકવણી, શાળાની સ્‍વાયત્તતા જાળવવા, કર્મચારીઓની ભરતી તેમજ છુટા કરવાની બાબતે મંજૂરીની પ્રક્રિયા સહિતની માગણીઓ ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્‍યા માર્ગે આંદોલનની ચીમકી

જૂનાગઢઃ ગુજરાતમાં કાર્યરત ૧૭,૦૦૦ થી વધુ સ્‍વનિર્ભર શાળાઓના પડતર પ્ર‘ોના નિરાકરણ માટે સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ, જૂનાગઢ જિલ્લા દ્વારા ધારાસભ્‍ય, કલેક્‍ટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ ચાર મુખ્‍ય માગણીઓ રજૂ કરવામાં આવી છે. મંડળના જણાવ્‍યા મુજબ સ્‍વનિર્ભર શાળાઓમાં આશરે ૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે અને ૭,લાખથી વધુ શિક્ષકો તથા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. રાજ્‍યના શિક્ષણ ક્ષેત્રે સ્‍વનિર્ભર શાળાઓનો ફાળો ૬૦, ટકાથી વધુ હોવાનું મંડળે જણાવ્‍યું છે.

મંડળે પ્રથમ માગણી તરીકે ફી નિયમન સમિતિની પ્રક્રિયા સરળ બનાવવાની રજૂઆત કરી છે. હાલમાં સ્‍વનિર્ભર શાળાઓની ફી દર ત્રણ વર્ષે હિસાબી અહેવાલના આધારે નક્કી થાય છે. જે શાળાઓ દર વર્ષે મંજૂર ફીમાં ૧૦ ટકા કે તેથી ઓછો વધારો કરતી હોય તેવી શાળાઓને દરખાસ્‍ત અને સોગંદનામાની પ્રક્રિયામાંથી મુક્‍તિ આપી સીધી મંજૂરી આપવાની માગણી કરવામાં આવી છે. આ સુધારાથી રાજ્‍યની આશરે ૯૦, ટકા શાળાઓને ફી નિયમન સમિતિની કાર્યવાહીમાંથી રાહત મળશે અને કચેરી પરનું ભારણ પણ ઘટશે તેવી રજૂઆત કરાઈ છે.

બીજી મુખ્‍ય માગણી આરટીઇ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફીની ચુકવણી અંગે છે. મંડળના જણાવ્‍યા મુજબ વર્ષ ૨૦૧૭માં આરટીઇની અમલવારી વખતે વિદ્યાર્થી દીઠ ૧૦,૦૦૦.ની ચુકવણી કરવામાં આવતી હતી. આ મુદ્દે સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ દ્વારા સરકારને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હોવાનો મંડળનો દાવો છે. જે-તે શાળાની ફી નિયમન સમિતિ દ્વારા મંજૂર કરાયેલી ફી અથવા જે વિસ્‍તારમાં સરકારી શાળામાં વિદ્યાર્થી પાછળ થતો ખર્ચ, તે પૈકી યોગ્‍ય રકમ ચૂકવવાની રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનો અમલ થયો નથી. તેથી હાઇકોર્ટના માર્ગદર્શન મુજબ રકમ ચૂકવવાની માગણી કરાઈ છે.

ત્રીજી માગણી સ્‍વનિર્ભર શાળાઓની સ્‍વાયત્તતામાં બિનજરૂરી હસ્‍તક્ષેપ દૂર કરવાની છે. તાજેતરમાં પસાર થયેલા ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ સુધારા વિધેયક-૨૦૨૬માં સ્‍વનિર્ભર શાળાના કર્મચારીઓની નિમણૂક અને તેમને છૂટા કરવાની બાબતમાં મંજૂરી લેવાની જોગવાઈ અંગે મંડળે વાંધો ઉઠાવ્‍યો છે. સ્‍વનિર્ભર શાળાઓ સરકાર પાસેથી ગ્રાન્‍ટ કે આર્થિક સહાય લેતી ન હોવાથી કર્મચારીઓની નિમણૂક તથા છૂટા કરવાની સત્તા શાળા સંચાલકોને જ હોવી જોઈએ અને આ અંગે વિધેયકમાં જરૂરી સુધારો કરવાની માગણી કરવામાં આવી છે.

ચોથી માગણી શાળાઓને રોજિંદા વહીવટી વિક્ષેપમાંથી મુક્‍તિ આપવાની છે. સરકારી, અનુદાનિત અને સ્‍વનિર્ભર શાળાઓને એકસરખા પરિપત્રો કરવામાં આવતા હોવાથી અમલવારીમાં વિસંગતતા ઊભી થતી હોવાનો મંડળે આક્ષેપ કર્યો છે. એક જ પ્રકારની માહિતી વારંવાર માંગવામાં આવતી હોવાથી તમામ જરૂરી માહિતી એક જ જગ્‍યાએ ઉપલબ્‍ધ રહે તે માટે સામાન્‍ય માહિતી પોર્ટલ બનાવવાની અને સ્‍વનિર્ભર શાળાઓને લાગુ પડતા પરિપત્રો અલગથી જારી કરવાની માગણી કરવામાં આવી છે.

મંડળે જણાવ્‍યું છે કે ઉપરોક્‍ત પ્રશ્‍નો અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્‍ય અમલવારી થઈ નથી. તેથી સત્‍વરે પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સર્વાનુમતે ગાંધીચીંધ્‍યા માર્ગે આંદોલનાત્‍મક પગલાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી આપવામાં આવી છે.  સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળ, જૂનાગઢના પ્રમુખ જી.પી. કાઠીએ સરકાર સમક્ષ પ્રશ્‍નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની માગણી કરી છે.(

(12:46 PM IST)