News of Sunday, 19th July 2026
બાબરા શહેરની સોસાયટી વિસ્તારોમાં રેઢિયા ઢોર અને ખૂંટિયાઓનો વધતો ત્રાસ, લોકોમાં ભયનો માહોલ
નગરપાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવે તેવી નાગરિકોની માંગ

( દિપક કનૈયા દ્વારા )બાબરા: બાબરા શહેરના વિવિધ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રેઢિયા ઢોર અને ખૂંટિયાઓનો ત્રાસ સતત વધી રહ્યો હોવાનું સ્થાનિક રહિશો જણાવી રહ્યા છે. મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક સોસાયટી માર્ગો પર દિવસ-રાત ઢોરના ટોળાં બેસી રહેતા હોવાથી વાહનચાલકો, રાહદારીઓ, વૃદ્ધો, મહિલાઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત ઢોર અચાનક રસ્તા પર દોડી આવતા અકસ્માતની શક્યતા સર્જાય છે. ખાસ કરીને સાંજના સમયે અને રાત્રિના અંધારામાં આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
રહિશોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. શહેરના માર્ગો પર રેઢિયા ઢોરના કારણે ટ્રાફિક અવરોધાય છે અને જાહેર સુરક્ષા પણ જોખમાય છે.
સ્થાનિક નાગરિકોએ બાબરા નગરપાલિકા તંત્રને અપીલ કરી છે કે શહેરમાંથી રેઢિયા ઢોર અને ખૂંટિયાઓને પકડી યોગ્ય સ્થળે ખસેડવા માટે તાત્કાલિક અને નિયમિત અભિયાન હાથ ધરવામાં આવે, જેથી શહેરના લોકોને રાહત મળે અને અકસ્માતની શક્યતાઓમાં ઘટાડો થાય.
નગરપાલિકા દ્વારા સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી બાબરા શહેરના નાગરિકોમાં વ્યાપક માંગ ઉઠી રહી છે.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
