<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

સીરામીક નગરીમાં માઈગ્રેટરી શ્રમિકોને કારણે ટીબીના દર્દીઓમાં વધારો !

મોરબી શહેર-તાલુકા માટે સ્‍થિતિ ચિંતાજનકઃ પાંચ તાલુકાઓમાં સૌથી વધુ દર્દીઓ એકલા મોરબી તાલુકામાં : માળીયા મિયાણા અને ટંકારા તાલુકામાં સૌથી ઓછા દર્દીઓ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૩: મોરબી જિલ્લામાં ટીબી રોગના નિયંત્રણ માટે આરોગ્‍ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવતા છેલ્લા ચાર વર્ષમાં રાહતના સમાચાર સામે આવ્‍યા છે. જો કે,સિરામિક ઉદ્યોગને કારણે અન્‍ય રાજ્‍યમાંથી આવતા માઈગ્રેટરી શ્રમિકોને કારણે મોરબી અને વાંકાનેર તાલુકામાં અન્‍ય તાલુકાની તુલનાએ ટીબીના દર્દીઓનું પ્રમાણ ચિંતાજનક છે.જિલ્લામાં વર્ષ ર૦ર૩ દરમિયાન કુલ ૧૭ર૩ ટીબીના દર્દી નોંધાયા હતા, જેની સામે વર્ષ ર૦ર૪ માં આ આંકડો થોડો વધીને ૧૭૩૯ પર પહોંચ્‍યો હતો. જો કે, વર્ષ ર૦રપમાં ટીબીના કુલ કેસો ઘટીને ૧૬૦૨ થયા હતા. ચાલુ વર્ષે ૨૦૨૬ માં ઓગસ્‍ટ માસ સુધીમાં જિલ્લામાં ૧૦૬૫ કેસ નોંધાયા છે.

કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારના સઘન પ્રયાસોથી મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ક્ષય એટલે કે, ટીબીના દર્દીઓની સંખ્‍યામાં નોંધપાત્ર ઘટાડો આવ્‍યો છે.જિલ્લા આરોગ્‍ય તંત્રના ક્ષય નિયંત્રણ વિભાગ દ્વારા ટીબીના એક -એક દર્દીઓને શોધી સઘન સારવાર અને પૂરતા પોષક તત્‍વો સાથેના ખોરાક અંગે મોનીટરીંગ કરવામાં આવતા દર્દીઓની સંખ્‍યામાં મોટો ઘટાડો આવ્‍યો છે.પાંચ વર્ષમાં તાલુકાવાર વિશ્‍લેષણ કરીએ તો, ઔદ્યોગિક અને ગીચ વસ્‍તી ધરાવતો મોરબી તાલુકો સમગ્ર જિલ્લામાં સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. ટીબીના દર્દીઓ વધવા પાછળનું મુખ્‍ય કારણ મોરબી અને વાંકાનેર તાલુકામાં અન્‍ય રાજ્‍યમાંથી આવતા પરપ્રાંતીય શ્રમિકો છે. જિલ્લામાં વધુ પડતા દર્દીઓ માઈગ્રેટરી શ્રમિક હોવાનું સામે આવ્‍યું છે. વર્ષ ર૦ર૩ માં મોરબી તાલુકામાં સૌથી વધુ ૧૧૯૩ કેસ નોંધાયા હતા, જે ક્રમશઃ ર૦ર૪ માં ૧૧પ૪ અને ર૦રપ માં ૧૧૫૫ રહ્યા છે. આ દર્શાવે છે કે જિલ્લાના કુલ કેસોમાં એકંદરે ૭૦ ટકાથી વધુ હિસ્‍સો એકલા મોરબી તાલુકાનો જ છે.

બીજી બાજુ વાંકાનેર તાલુકો જિલ્લામાં બીજા ક્રમે સૌથી વધુ સંવેદનશીલ વિસ્‍તાર છે, જ્‍યાં ર૦ર૩ માં ૨૫૩, ૨૦૨૪ માં વધીને ૩૯૦ અને ર૦રપ માં ર૪૪ કેસ નોંધાયા હતા. જ્‍યારે હળવદ, ટંકારા અને માળીયા તાલુકાઓમાં સ્‍થિતિ પ્રમાણમાં નિયંત્રણ હેઠળ રહી છે. હળવદમાં દર વર્ષે સરેરાશ ૧ર૦ થી ૧૩૮ કેસ નોંધાયા છે, જ્‍યારે માળીયા તાલુકામાં ૨૦રપ માં ઘટીને માત્ર ૧૮ કેસ નોંધાતા મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો. આરોગ્‍ય તંત્રએ જણાવ્‍યું હતું કે, ટીબી નિર્મૂલન માટે સમગ્ર જિલ્લામાં સઘન ઝુંબેશ ચાલુ છે પરિણામ સ્‍વરૂપ વર્ષ ૨૦૨૬માં પણ ટંકારા અને માળીયા મિયાણા જેવા તાલુકામાં ટીબીના દર્દીઓનો આંકડામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

મોરબી જિલ્લામાં ક્ષય એટલે કે, ટીબી રોગના નિર્મૂલન માટે ક્ષય નિયંત્રણ વિભાગે તમામ તાકાત કામે લગાવી છે પરિણામે છેલ્લા ચાર વર્ષમાં સુધારાત્‍મક પરિણામ સામે આવ્‍યા છે. જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.પવનકુમાર શ્રીવાસ્‍તના જણાવ્‍યા મુજબ હાલમાં વિભાગ દ્વારા ૪ અધ્‍યતન ટેકનોલોજી વાળા હેન્‍ડ હેલ્‍ડ એક્‍સરે મશીન વડે દરેક ગામ માં જઈને નિક્ષય શિબિર અંતર્ગત એક્‍સપ્રરેના કેમ્‍પ કરે છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ દ્વારા દર્દીના છાતીના એક્‍સરેનું સ્‍ક્રિનિંગનું પરિણામ સ્‍થળ પર જ મળી રહે છે. હાલમાં જિલ્લાના તમામ તાલુકામાં કુલ ૮ ન્‍યુક્‍લિક એસિડ એમ્‍પ્‍લીફિકેશન બેઇઝ્‍ડ અધ્‍યતન ટેકનોલોજી વાળા મશીન વડે ટીબી નું નિદાન ક૨વામાં આવી રહ્યું છે અને દર્દીઓનું સતત મોનીટરીંગ થઇ રહ્યું છે.

મોરબી જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો.ધનસુખ અજાણાના જણાવ્‍યા મુજબ કોઈ પણ દર્દીને જો ૧૫ દિવસથી વધારે ઉધરસ આવે, વજનમાં ઘટાડો થવા લાગે અને ભૂખ ના લાગવી જેવા લક્ષણોની સાથે સાથે ગળાફામાં લોહી આવે જેવા લક્ષણો જણાય તો તુરત જ જિલ્લા ક્ષય કેન્‍દ્ર કે નજીકના સરકારી આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તપાસ કરાવવા અનુરોધ  કરાયો છે.

 

(10:43 AM IST)