<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

કચ્છના બંદરીય શહેરો ગાંધીધામ, મુન્દ્રામાં ઇન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન: આંગડિયાને બદલે સીએ તથા બેંક દ્વારા કરોડોની હેરફેરીનો ધડાકો

દિલ્હી, સુરત, વડોદરાની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ, રિટર્નમાં કરચોરી, વિદેશ નાણા મોકલવામાં રેમિટન્સ તથા ફોર્મ ૧૫ સીબી નો શંકાસ્પદ ઉપયોગ, સેલ (બોગસ) કંપનીઓ, અત્યારે ૩૯૪ કંપની અને ૩૬ વ્યવસાયકારો આવકવેરાના રડારમાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ :  ગુજરાતના કચ્છ જિલ્લાના મહત્વના વ્યાપારી કેન્દ્રો ગાંધીધામ અને મુન્દ્રામાં આવકવેરા વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કરચોરી, શંકાસ્પદ વિદેશી ફંડિંગ અને હિસાબી ગેરરીતિઓની શંકાના આધારે કુલ ૧૫ જેટલા સ્થળો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં નવી દિલ્હીની આઈટી ટીમો સહિત વડોદરા અને સુરતના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા છે. દરોડા દરમ્યાન પ્રાથમિક તપાસમાં મની લોન્ડરિંગ અને કરચોરીના મોટા સ્કેમ સામે આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંપરાગત આંગડિયા પદ્ધતિના બદલે આ વખતે કૌભાંડીઓએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બેંકિંગ ચેનલોનો ઉપયોગ કરીને નાણાં વિદેશ મોકલ્યા હોવાની વિગતો બહાર આવી છે. વિદેશમાં નાણાં મોકલવા માટે જરૂરી એવા ફોર્મ ૧૫ સીબી ના સર્ટિફિકેટ્સ મોટા પાયે માત્ર એક જ નાના સીએ (ગ્રુપ દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. દરોડા દરમિયાન કેટલીક એવી કંપનીઓ પણ સામે આવી છે જે માત્ર કાગળ પર જ ચાલતી હતી. નોંધાયેલા સરનામા પર વાસ્તવિકતામાં કોઈ ઓફિસ કે કંપની અસ્તિત્વમાં જ નથી. આયાત-નિકાસ અને કન્ટેનર વ્યવસાય સાથે સંકળાયેલી કેટલીક પેઢીઓ વિદેશમાં કરોડોના વ્યવહારો કરવા છતાં પોતાનું ટર્નઓવર ખૂબ ઓછું દર્શાવતી હતી અથવા તો આઈટી રિટર્ન ફાઈલ જ કરતી નહોતી. શંકાસ્પદ રેમિટન્સ: સોફ્ટવેરની આયાત, વજન અથવા કન્સલ્ટિંગ સેવાઓના બહાને વિદેશમાં કરોડો રૂપિયા મોકલવામાં આવ્યા છે, જેનો વાસ્તવિક હેતુ શંકાના દાયરામાં છે. મુન્દ્રા અને ગાંધીધામમાં મુખ્યત્વે શિપિંગ, લોજિસ્ટિક્સ, કન્ટેનર વ્યવસાય અને આયાત-નિકાસ સાથે જોડાયેલી મોટી પેઢીઓ આઈટીના રડારમાં છે. છેલ્લા ૩ વર્ષમાં શંકાસ્પદ આંતરરાષ્ટ્રીય વ્યવહારો કરનારા ભારતના કુલ ૩૯૪ એકમો અને ૩૬ વ્યવસાયિકો પર ઇન્કમ ટેક્સ વિભાગ નજર રાખી રહ્યું છે, જેમાં ગુજરાતના રાજકોટ અને મોરબીના વેપારીઓનો પણ સમાવેશ થાય છે. આવકવેરા વિભાગે હાલમાં તપાસની ગુપ્તતા જાળવી રાખી છે, પરંતુ જપ્ત કરાયેલા ડિજિટલ દસ્તાવેજો અને સીઝ કરાયેલા ડેટાના આધારે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે.

(1:40 PM IST)