તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
કચ્છના રાપરમાં સરકારી ગ્રંથાલયનો ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શુભારંભ
રાજકોટ, ભુજ, નલિયા અને ભચાઉના ગ્રંથાલય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ, રાપર તાલુકાના યુવાનોને સરકારી ભરતીની તૈયારી માટે પુસ્તકો અને માર્ગદર્શક સામગ્રીનો લાભ મળશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ :કચ્છના રાપર શહેર અને તાલુકાના વાંચન પ્રેમીઓ અને અભ્યાસ કરતા યુવાનો માટે આનંદના સમાચાર છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા રાપર નગરપાલિકા કચેરી ખાતે શરૂ કરવામાં આવેલા સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાપર નગરપાલિકા કચેરીના ઉપરના માળે ગ્રંથાલય માટે જગ્યા ફાળવવામાં આવી છે. આ ગ્રંથાલયના પ્રારંભથી શહેરના વાંચનપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનોને અભ્યાસ માટે સુવિધા ઉપલબ્ધ થશે. અહીં વિવિધ પુસ્તકો, અખબારો, નવલકથાઓ તેમજ સરકારી ભરતીની પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી પુસ્તકો અને માહિતી મળી રહેશે. આ પ્રસંગે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શૈલેષ શાહ, જિલ્લા ભાજપ મંત્રી ઉમેશભાઈ સોની, તાલુકા ભાજપ મહામંત્રી મદુભા વાઘેલા, રમેશભાઈ ચાવડા, ભાણજીભાઈ ભ્રાંસડીયા, વિનુભાઈ થાનકી, રામજીભાઈ મુછડીયા, મહેન્દ્રસિંહ વાઘેલા, હમીરજી સોઢા, કાનજીભાઈ આહીર, રાણાભાઈ પરમાર, લાલજી કારોત્રા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત રાજકોટનાં મદદનીશ ગ્રંથાલય નિયામક સુશ્રી અનિશાબેન સુમરા, ભુજના સરકારી જિલ્લા પુસ્તકાલયના રઘુભાઈ પટેલ, નલિયાના જીતેન્દ્ર બી. ઓઝા, રાજકોટના રાહુલભાઈ રાઠોડ, ભુજના અશ્વિન ગોસાઈ, ભચાઉના દિનેશ ચાવડા, વિષ્ણુભાઈ ચૌધરી સહિત ગ્રંથાલય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રંથાલય દરરોજ સવારે ૧૦ થી સાંજના ૬ વાગ્યા સુધી ખુલ્લું રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે. આ સુવિધાથી રાપરના નાગરિકોમાં વાંચનનો શોખ વિકસશે, વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધક સામગ્રી મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને અભ્યાસ માટે ઉપયોગી વાતાવરણ ઉપલબ્ધ થશે. રાપરમાં સરકારી ગ્રંથાલયની શરૂઆતથી જ્ઞાન, વાંચન અને શિક્ષણને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ખાસ કરીને યુવાનો માટે આ ગ્રંથાલય અભ્યાસ અને ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં ઉપયોગી સાબિત થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
