<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

કચ્છ યુનિવર્સિટીમા ‘અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન સેન્ટર ઓફ એક્સેલન્સ’ નો પ્રારંભ કરાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કચ્છમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોજગારી મળશે, વિદ્યાર્થીઓને માત્ર નોકરી માટે નહીં, ભવિષ્યની નવી તકો માટે પણ તૈયાર કરવાના પ્રયાસ: કરણ અદાણી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૬ : કચ્છમાં ઝડપથી વિકસી રહેલા ગ્રીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવબળ તૈયાર કરવાના હેતુથી અદાણી સ્કિલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) અને કચ્છ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટી કેમ્પસ ખાતે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ નો પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સેન્ટર મધ્યે સોલાર PV, વિન્ડ એનર્જી, હાઇબ્રિડ સિસ્ટમ્સ, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS), ડિજિટલ તથા ઔદ્યોગિક ઓટોમેશન સહિતના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી તાલીમ આપવામાં આવશે. દર વર્ષે કચ્છ યુનિવર્સિટીના ૧૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ મળવાની અપેક્ષા છે. સેન્ટર ગ્રીન એનર્જી ક્ષેત્રે એપ્લાઇડ રિસર્ચ અને ઉદ્યોગસાહસિકતાને પણ પ્રોત્સાહન આપશે. કચ્છમાં વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી પ્રકલ્પોના પરિણામે કુશળ માનવબળની માંગ વધી રહી છે. અદાણી સમૂહે છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં ૨૧,૦૦૦થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરી હોવાનું જણાવાયું છે. અદાણી ગ્રુપના ડિરેક્ટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું કે ભારતના ભવિષ્યને આકાર આપતા ક્ષેત્રોમાં કાર્ય કરવું અદાણી ગ્રુપની સતત પ્રતિબદ્ધતા રહી છે. ગ્રીન એનર્જી દેશની પ્રગતિ અને ભાવિ પેઢી બંને માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. તેમણે જણાવ્યું કે આ સેન્ટર વિદ્યાર્થીઓને માત્ર નોકરીઓ માટે જ નહીં, પરંતુ ભારત અને વિશ્વભરમાં ઊભરી રહેલી નવી તકો માટે પણ સજ્જ કરશે.

ASEના મુખ્ય કારોબારી અધિકારી શ્રી રોબિન ભૌમિકે જણાવ્યું કે રિન્યુએબલ એનર્જી ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે, પરંતુ તેની જરૂરિયાત મુજબનું વિશિષ્ટ કુશળ કાર્યબળ પૂરતી ઝડપે તૈયાર થઈ રહ્યું નથી. કચ્છ યુનિવર્સિટી સાથેના સહયોગથી આ અંતર દૂર કરી વિદ્યાર્થીઓને શિક્ષણથી રોજગાર તરફ આગળ વધવા માટે ઉદ્યોગલક્ષી તાલીમ પૂરી પાડવામાં આવશે. કચ્છના ખાવડા ખાતે અદાણી સમૂહ દ્વારા ૫૩૮ ચોરસ કિલોમીટરમાં ૩૦ ગીગાવોટનો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આ વિકાસ સાથે સૌર, પવન, ઊર્જા સંગ્રહ અને ડિજિટલ ટેક્નોલોજીમાં કુશળ માનવબળની માંગમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ આ વધતી માંગને સ્થાનિક યુવાનોની કુશળતા સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

(9:36 AM IST)