<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

SD Pay કૌભાંડની કચ્‍છના રાપર સુધી અસરઃ રૂ. ૩૦ કરોડથી વધુની રકમ ફસાઈ હોવાની ચર્ચા

વધુ વળતરની લાલચે અનેક નાના-મોટા રોકાણકારોએ કર્યું હતું રોકાણ, નાણાકીય વ્‍યવહારો ઠપ્‍પ, વિશ્વાસ જાળવવા રોજ Zoom મિટિંગ યોજાતી હોવાનો દાવો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧: સૌરાષ્‍ટ્રના અમરેલી સાથે ગુજરાતભરમાં ચર્ચાસ્‍પદ બનેલા રૂ. ૬૩૪ કરોડથી વધુના SD Pay અને Apna Pay એપ્‍લિકેશન કૌભાંડની અસર કચ્‍છના રાપર તાલુકામાં પણ જોવા મળી રહી છે. રાપર પંથકના અનેક નાના-મોટા રોકાણકારોના અંદાજે રૂ. ૩૦ કરોડથી વધુ રૂપિયા આ કથિત કૌભાંડમાં ફસાયા હોવાની ચર્ચા થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, વધુ વળતર મળવાની આશાએ રાપર તાલુકાના અનેક રોકાણકારોએ SD Pay એપ્‍લિકેશન મારફતે નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં વ્‍યવહારો અને વળતર મળતાં રોકાણકારોમાં વિશ્વાસ વધ્‍યો હતો. જોકે, છેલ્લા આશરે ચાર મહિનાથી એપ મારફતે થતા નાણાકીય વ્‍યવહારો મોટાભાગે ઠપ્‍પ થઈ જતાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે.

રોકાણકારોના જણાવ્‍યા અનુસાર, તેમને વિશ્વાસમાં રાખવા અને એપ્‍લિકેશનની કામગીરી અંગે આશ્વાસન આપવા માટે દરરોજ રાત્રે આશરે ૮ વાગ્‍યે Zoom મિટિંગ યોજવામાં આવતી હતી. આ મિટિંગો મારફતે રોકાણકારોને વિવિધ માહિતી આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હાલમાં નાણાંના વ્‍યવહારો અટકી જતાં રોકાણકારો પોતાના રોકાણની રકમ પરત મળશે કે કેમ તે અંગે ચિંતિત બન્‍યા છે. રાપર પંથકમાં ફસાયેલા નાણાંનો આંકડો મોટો હોવાનો અંદાજ વ્‍યક્‍ત કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે રોકાણકારો દ્વારા કથિત કૌભાંડની નિષ્‍પક્ષ અને તટસ્‍થ તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફસાયેલા નાણાં પરત અપાવવા માટે તંત્ર સમક્ષ રજૂઆત કરવાની માંગ ઉઠી રહી છે. ગુજરાતભરમાં કરોડો રૂપિયાના રોકાણ સાથે જોડાયેલુ આ કથિત ડિજિટલ કૌભાંડ સ્‍થાનિક સ્‍તરે પણ ચર્ચાનો વિષય બન્‍યો છે

(10:45 AM IST)