News of Monday, 3rd August 2026
"જેતપર ખેડૂત આંદોલન"ની અસર : મોરબીના બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપર,ખીરઈ અને રોહીશાળામાં ભાજપ નેતાઓના બહિષ્કારના બેનરો લાગ્યા : વીજલાઈન સહિત ખેડૂતોની માંગણીઓ ન સંતોષાય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત માંગવા ન આવવા ચીમકી
ન્યાય આપવાની ભાંગણી સાથે જુદા જુદા ગામોના ગ્રામજનોએ હાથમાં બેનરો પ્રદર્શિત કરીને "જય જવાન, જય કિસાન", "ખેડૂત એકતા ઝિંદાબાદ" અને "ખેડૂત ક્રાંતિ ઝિંદાબાદ"ના બુલંદ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી તા ૩ : મોરબી જિલ્લામાં "ગુજરાત ખેડૂત સત્યાગ્રહ" અંતર્ગત વીજલાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધુ ઉગ્ર બની રહ્યો છે.
તારીખ 03/08/2026 ના રોજ મોરબી તાલુકાના વધુ 5 ગામો બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપરમાં ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા ભાજપના બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા છે.
ગામ સમસ્ત દ્વારા લગાવાયેલા આ બેનરોમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ખેતીની જમીનમાંથી પસાર થતી વીજલાઈન અંગે ખેડૂતોની માંગણી મુજબ યોગ્ય પરિપત્ર કરવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે કે નેતાઓએ આ ગામોમાં મત માંગવા આવવું નહીં.
આજે બેલા, રંગપર, જસમતગઢ, પીપળી અને શાપર ગામ ખાતે પુરુષ તેમજ મહિલા ખેડૂતો એકત્રિત થયા હતા. ગ્રામજનોએ હાથમાં બેનરો પ્રદર્શિત કરીને "જય જવાન, જય કિસાન", "ખેડૂત એકતા ઝિંદાબાદ" અને "ખેડૂત ક્રાંતિ ઝિંદાબાદ"ના બુલંદ નારા લગાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મોરબી જિલ્લામાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે. તેવામાં વધુ 2 ગામો ખીરઈ અને રોહીશાણામાં ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવતા બેનરો લગાવવામાં આવ્યા છે.
ખીરઈ ગામ સમસ્ત અને રોહીશાણા ગામ સમસ્ત દ્વારા લગાવવામાં આવેલા આ બેનરોમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષે આ ગામોમાં મત માંગવા આવવું નહીં. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ ન આવતાં ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
