<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

"હું સ્ટેજ પરથી ઉતરીશ એટલે સ્ટેજની વેલિડિટી 48 કલાકની પણ નહીં રહે તે આંદોલન તોડનારા જાણતા હતા અને એવું જ બન્યું" - ખેડૂત નેતા નિલેશભાઈ એરવાડિયાનો મીડિયા સમક્ષ સણસણતો પ્રહાર

ખેડૂતો અને તમામ જ્ઞાતિના યુવાનોની હાજરીમાં આમરણ ઉપવાસના પારણા કર્યા બાદ જેતપુર છાવણીના કથિત કારસાઓ અંગે બેબાક નિવેદન : સરકાર સામે આંખ ઊંચી કરીને અવાજ ઉઠાવી શકે તેવા બિનરાજકીય અને નિડર સંગઠનની જરૂરિયાત પર ભાર મૂક્યો

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી જિલ્લાના ખેડૂતો, સ્નેહીજનો અને તમામ જ્ઞાતિના યુવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ખેડૂત નેતા નિલેશભાઈ એરવાડિયાએ પોતાના આમરણ ઉપવાસના પારણા કર્યા છે. પારણા કર્યા બાદ મીડિયા સમક્ષ વાતચીત કરતા તેમણે ખેડૂત આંદોલન, જેતપુર છાવણી અને આંદોલન તોડવાના કથિત પ્રયાસો અંગે અત્યંત બેબાક અને તીખા નિવેદનો આપ્યા હતા.

 48 કલાકમાં સ્ટેજની વેલિડિટી પૂરી થઈ ગઈ

આંદોલન કોઈના ઇશારે કે ચોક્કસ ડાયરેક્શન હેઠળ તોડવામાં આવ્યું હોવાના સવાલ પર નિલેશભાઈ એરવાડિયાએ સીધો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "જે લોકોએ આંદોલન તોડવાના અને મને ત્યાંથી ઉઠાડવાના પ્રયાસો કર્યા છે, તેના વિશે મને અને ગુજરાતના ખેડૂતોને પહેલેથી જ ખબર હતી. બધા જાણતા હતા કે નિલેશ એરવાડિયા સ્ટેજ પરથી ઉતરશે એટલે 48 કલાકમાં સ્ટેજની વેલિડિટી પૂરી થઈ જશે. અને અંતે એવું જ બન્યું, મારા ઉતર્યા પછીના 48 કલાકમાં જ ત્યાં પારણા થઈ ગયા. મને બદનામ કરવા માટે સોગઠા ગોઠવીને કારસાઓ રચવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય સમય આવશે ત્યારે બધું જ જનતાની સામે આવશે અને આ તમામ બાબતોના ખુલાસા થશે."

 

 વિવાદાસ્પદ નિવેદનથી લાગણી દુભાતા સ્ટેજ છોડ્યું:

જેતપુર ખેડૂત સમિતિના સભ્યો જ્યારે હોસ્પિટલ ખાતે પારણા કરાવવા આવ્યા ત્યારે તેમણે શા માટે ઇનકાર કર્યો હતો તે અંગે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, સ્ટેજ પરથી એક મિત્ર દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું હતું. છેલ્લા 1 મહિનાથી જે જગ્યાએ તપ અને મહેનત કરી છે, ખેડૂતોના હક માટે લડત ચલાવી છે, ત્યાંથી આવા શબ્દો સાંભળવા મળે ત્યારે સ્વાભાવિક રીતે લાગણી દુભાય છે. વાતાવરણ થોડું અસ્વસ્થ લાગતા અને ખેડૂત છાવણીને કોઈ આંચ ન આવે તેમજ તેના પર કોઈ છાંટા ન ઉડે તેવા શુદ્ધ હેતુથી જ તેમણે સ્વેચ્છાએ સ્ટેજ છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે, છાવણી છોડ્યા બાદ પણ હોસ્પિટલના આઈસીયુ અને જનરલ રૂમમાં તેમના આમરણ ઉપવાસ સતત ચાલુ જ રહ્યા હતા.

 

 ખેડૂત આંદોલનના પાર્ટ 3 અંગે સકારાત્મક વલણ:

ખેડૂત આંદોલનના આગામી પાર્ટ 3 અંગે તેમણે અત્યંત સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે પોતાના ભૂતકાળના અનુભવોને યાદ દેવડાવતા કહ્યું કે, દિલ્હીની ટિકરી બોર્ડર પર 2.5 વર્ષ સુધી જે ઐતિહાસિક આંદોલન ચાલ્યું, તેમાં પણ તેઓ 4.5 મહિના સુધી સતત રોકાયા હતા. અહીં જેતપુરમાં પણ તેમણે પહેલા દિવસથી રામની ખિસકોલી બનીને અત્યંત નિષ્ઠાપૂર્વક લડત આપી છે.

 

 ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને આદર્શ માની બિનરાજકીય સંગઠન ઊભું કરવા હાકલ:

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આજે ગુજરાતના ખેડૂતો પહેલા કરતા વધુ જાગૃત અને સંગઠિત થયા છે. હવે બાકી રહેલી તમામ માંગણીઓ સંતોષાય તે માટે 18 વરણનું એટલે કે તમામ જ્ઞાતિ અને ધર્મને સાથે જોડતું એક મજબૂત અને સંપૂર્ણપણે બિનરાજકીય સંગઠન બનવું જોઈએ. આ સંગઠનના નેતા નીડર હોવા જોઈએ, જે કોઈનાથી પણ ડરે નહીં અને સરકાર કે સલ્તનત સામે આંખ ઊંચી કરીને જનતાનો અવાજ ઉઠાવી શકે. શહીદ ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદને પોતાના આદર્શ માનતા એરવાડિયાએ છેલ્લે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે, રાજનીતિની ભાષામાં માત્ર મીઠું મીઠું બોલવાથી ક્યારેય આંદોલનો સફળ થતા નથી, તેના માટે સચ્ચાઈ અને હિંમતની જરૂર પડે છે.

(8:08 PM IST)