<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સુરેન્‍દ્રનગર જીલ્લામાં ગેરકાયદે ખાણો જીવલેણઃ ર યુવકોના મોત

થાનગઢ તાલુકાના દેવપરામાં અરેરાટીઃ પરિવારજનોનો ભુમાફીયાઓ સામે આક્રોશ

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૯: સમગ્ર ગુજરાત રાજ્‍યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે ત્‍યારે ગરમીથી બચવા માટે લોકો દ્વારા અવનવા પ્રયત્‍ન હાથ ધરવામાં આવતા હોય છે ત્‍યારે આ પ્રયત્‍ન જીવલેણ પણ સાબિત થતા હોય છે અજાણ્‍યા પાણીમાં નાહવા જતા સમયે દુર્ઘટના બનવાની ઘટનાઓમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં વધારો થઈ રહ્યો છે ત્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર ખોદવામાં આવેલી ખાણોમાં ડૂબી જવાના પગલે આશાસ્‍પદ બે યુવકોના ૧૨ કલાકમાં જ મોત નીપજવા પામ્‍યા છે.

સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ખારા વિસ્‍તારમાં ગેરકાયદેસર કાર્બોસેલ ની ખાણમાં ડૂબી જવાના કારણે પ્રથમ અજયભાઈ હિતેશભાઈ રાઠોડનું મોત નીપજવા પામ્‍યું હતું. જોકે આ અંગે તંત્રને જાણ કરવામાં આવ્‍યા બાદ તંત્ર દ્વારા છ કલાક પછી ત્‍યાં પહોંચી અને ત્‍યારબાદ મળત દેહને ગેરકાયદેસર ખાણમાંથી બહાર કાઢવામાં આવ્‍યો હતો અને ત્‍યારબાદ તેને પીએમ માટે હોસ્‍પિટલે ખસેડવામાં આવ્‍યું હતું ત્‍યારે આ અંગે પરિવારજનો દ્વારા રોષ વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો છે.

આ ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્‍યાં સુરેન્‍દ્રનગરના થાનગઢ તાલુકાના દેવપરા ગામે આવેલ ગેરકાયદેસર પથ્‍થરની ખાણમાં યુવક નો મળતદેહ મળી આવ્‍યો છે ત્‍યારે દેવપરા નજીક આવેલ ગેરકાયદેસર સરકારી ખરાબામાં ખનીજ માફિયાઓ દ્વારા પથ્‍થરની ખાણ ખોદી અને ખનીજ ચોરી કરવામાં આવતી હતી ત્‍યારે આ ખનીજ ચોરી દરમિયાન આ ખાણમાં પાણી ભરાઈ ગયું હતું જેને લઇને હાલના તબક્કામાં પાણીથી ભરાયેલી ખાણમાં યુવક નાહવા પડ્‍યો હતો ત્‍યારે તેની અંદર ડૂબી ગયો હતો. રોહિત મકવાણા નામના ૨૩ વર્ષના યુવકનું ડૂબી જવાના કારણે મોત નીપજવા પામ્‍યું છે.

સ્‍થાનિક લોકો દ્વારા ખાણની બહારના ભાગે યુવકના ચપ્‍પલ અને કપડાં મળી આવ્‍યા હતા અને ત્‍યારબાદ તપાસ શરૂ કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની સુરેન્‍દ્રનગરની ટીમો બોલાવી અને ત્‍યારબાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ભારે જેહમદબાદ ખાણમાંથી મળતદેહને બહાર કાઢવામાં આવ્‍યો હતો અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી ત્‍યારે આ મળત દેહે રોહિત મકવાણાનો હોવાનું સામે આવ્‍યું હતું ત્‍યારે તેના પરિવારજનોને પણ આ બાબતે જાણ કરવામાં આવતા તેના પરિવાર ઉપર પણ આભ ફાટી પડવા પામ્‍યું હતું.

(11:21 AM IST)