<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

પોરબંદરના મેમણવાડામાં રોડ ઉપર ગેરકાયદે દબાણો મહાનગરપાલિકા દ્વારા હટાવાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૩૦: મહાનગરપાલિકાએ મેમણવાળા વિસ્‍તારમાં વી.જે. મદ્રેસા પાસે માર્ગ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં દુકાનના આગળના ભાગનું ગેરકાયદે દબાણ હટાવ્‍યું હતું.

મહાનગરપાલિકા દ્વારા શહેરના મેમણવાળા વિસ્‍તારમાં વી.જે. મદ્રેસા પાસે રસ્‍તા પર જાહેર માર્ગ ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહાનગર પાલિકાની ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા મ્‍યુનિસિપલ કમિશનર શ્રીની સૂચના અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

અગાઉ દબાણકર્તાઓને નિયમ મુજબ નોટિસો આપવામાં આવી હતી, તેમ છતાં સ્‍વેચ્‍છાએ દબાણ દૂર કરવામાં ન આવતા અંતે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન અંદાજે ૧૧૦ મીટર લંબાઈ અને ૩ મીટર પહોળાઈ વિસ્‍તારમાં જાહેર રસ્‍તા પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્‍યા હતા. રસ્‍તા પર આવેલા દુકાનોના આગળના ભાગ, વંડા, બાથરૂમ સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરી જાહેર માર્ગ ખુલ્લો કરવામાં આવ્‍યો હતો.

(11:31 AM IST)