તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ગોંડલના ભવનાથનગરમાં કોન્સ્ટેબલના ઘરે ચાલતા જુગારધામ પર IGનો દરોડો: 13 મહિલાઓ ઝડપાઈ : 6 પોલીસકર્મીઓની બદલી
પોલીસે જુગારના પટ પરથી તેમજ આરોપીઓ પાસેથી કુલ 1,35,900ની રોકડ રકમ કબ્જે કરી :પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા પોતાના આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને બોલાવી તેમના ઘરે જુગાર રમાડતા અને તેમાંથી નાલ પણ વસૂલતા

રાજકોટ જિલ્લાના ગોંડલમાં કાયદાના રક્ષક જ કાયદાનો ભંગ કરતા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના ઘરે ચાલતા જુગારધામ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તીન-પત્તીનો જુગાર રમતી 13 મહિલાઓને રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. પોલીસે મકાન માલિક કોન્સ્ટેબલ સહિત કુલ 14 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી સમગ્ર પોલીસ તંત્રમાં ભારે ચર્ચા અને ચકચાર ફેલાઈ છે.
દરોડા દરમિયાન પોલીસે જુગારના પટ પરથી તેમજ આરોપીઓ પાસેથી કુલ 1,35,900ની રોકડ રકમ કબ્જે કરી હતી. તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા પોતાના આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને બોલાવી તેમના ઘરે જુગાર રમાડતા હતા અને તેમાંથી નાલ પણ વસૂલતા હતા. જોકે, દરોડા સમયે કોન્સ્ટેબલ સ્થળ પર હાજર મળ્યા ન હતા. પોલીસે તેમની સામે પણ ગુનો નોંધી તેમને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ રેન્જ IGએ કડક વલણ અપનાવ્યું છે. દરોડાની સફળ કામગીરી પછી ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા 6 પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવણી કે બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. પોલીસ વિભાગની આ કાર્યવાહી હાલ ચર્ચાનો વિષય બની છે.
આ સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દરોડા દરમિયાન ઝડપાયેલી તમામ મહિલા આરોપીઓને અદાલતી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા હતા કે નહીં અને ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી કેટલો આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
