તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
કાલાવડના ખારાના ડેમમાં સૌની યોજનાનું પાણી નહીં પહોંચે તો મોટા આંદોલન ખેડૂતોની ચીમકી:15 દિવસનું અલ્ટીમેટમ
નિકાવા ગામ નજીક આવેલો ખારાનો ડેમ છેલ્લા બે વર્ષથી અપૂરતા વરસાદી પાણીના અભાવે ખાલી પડ્યો હોવાથી આસપાસના ખેડૂતોની ચિંતામાં વધારો

કાલાવડ તાલુકાના નિકાવા ગામે સિંચાઈ તેમજ ઘરવપરાશ અને પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાતા ખેડૂતો એકઠા થયા હતા. નિકાવા ગામ નજીક આવેલો ખારાનો ડેમ છેલ્લા બે વર્ષથી અપૂરતા વરસાદી પાણીના અભાવે ખાલી પડ્યો હોવાથી આસપાસના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનું કહેવું છે કે જો ખારાના ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી તાત્કાલિક પહોંચાડવામાં આવે તો અનેક ખેડૂતોને રાહત મળી શકે તેમ છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ ખેતરોમાં ઉભેલો પાક પાણીના અભાવે બગડવાની કગાર પર છે. વરસાદ ખેંચાતા ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી ઉપલબ્ધ નથી. પાકને પાણી આપવાની વાત તો દૂર રહી, પશુધન માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની રહી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક નુકસાનનો મોટો ફટકો પડવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતોની રજૂઆત છે કે, છેલ્લાં બે વર્ષથી ખારાના ડેમમાં એક ટીંપું પાણી ન હોવાના કારણે નિકાવા સહિત આસપાસના વિસ્તારની ખેતી પર સીધી અસર પડી રહી છે. અનેક ખેડૂતોએ ખેતી પાછળ મોટો ખર્ચ કર્યો છે, પરંતુ પાણીના અભાવે જો પાક નિષ્ફળ જશે તો ખેડૂતો પર દેવાનો બોજ વધવાની શક્યતા છે. તેથી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
ખેડૂતોએ સરકાર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે સૌની યોજના મારફતે નિકાવા ખારાના ડેમમાં તાત્કાલિક પાણી ભરવામાં આવે, જેથી ખેડૂતોને ઉભા પાકને બચાવવા માટે સિંચાઈનું પાણી મળી શકે અને પશુધન માટે પણ પાણીની સુવિધા ઊભી થઈ શકે. સાથે જ વિસ્તારની વાસ્તવિક સ્થિતિનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને જરૂરી સરકારી સહાય તથા યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
