<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

પુરુષોત્તમ માસમા ભક્‍તિમાં લીન થઈએ તો વ્‍યક્‍તિના જીવનની દિશા-દશા બદલાઈ જાય : પૂ.રમેશભાઈ ઓઝા

પવિત્ર પુરુષોત્તમ માસના મંગળ પ્રારંભે પૂ. ભાઈશ્રીનો કરોડો ભક્‍તોને ભાવવંદન સહ પ્રેરક સંદેશઃ ‘અધિક માસ એ મલમાસ નહીં પણ ભગવાનનું વરદાન છે' એમ કહી દાન-જપ-સેવા-આત્‍મચિંતન દ્વારા જીવનને દિવ્‍ય બનાવવા કર્યું આહવાન : ભગવાન શ્રીકૃષ્‍ણએ સ્‍વયં પોતાનું નામ આપી પ્રતિષ્ઠિત કરેલા આ પુરુષોત્તમ માસમાં કરેલી દરેક સાધનાનું અનંત ગણું ફળ મળે છેઃ ભાઈશ્રીએ ક્રોધ-લોભ-મોહ ત્‍યજી તુલસી પૂજન, દીપદાન, ગૌસેવા, અન્નદાન અને ગ્રંથ પઠનનો મહિમા સમજાવ્‍યોઃ ૧૭ મેથી ૧૫ જૂન સુધી સાંદીપનિ આશ્રમ સહિત દેશભરમાં વિશેષ અનુષ્ઠાન : પુરુષોત્તમ માસ એ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું સર્વશ્રેષ્ઠ માધ્‍યમ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૮: આજે શનિવાર, વૈશાખ વદ અમાસથી શરૂ થયેલા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસના મંગળ પ્રારંભે આંતરરાષ્ટ્રીય ખ્‍યાતિપ્રાપ્ત ભાગવતાચાર્ય અને સાંદીપનિ વિદ્યાનિકેતન, પોરબંદરના પ્રણેતા પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ દેશ-વિદેશમાં વસતા કરોડો શ્રદ્ધાળુઓ અને ભક્‍તજનોને પોતાના વિડિયો સંદેશ દ્વારા ભાવપૂર્ણ વંદન સહ પ્રેરક માર્ગદર્શન પાઠવ્‍યું છે. ભાઈશ્રીએ આ માસના પૌરાણિક, ધાર્મિક, આધ્‍યાત્‍મિક તેમજ વૈજ્ઞાનિક મહત્‍વ પર વિસ્‍તૃત પ્રકાશ પાડી ભક્‍તોને આ સમયનો સદુપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

પોતાના ૧૨ મિનિટના વિડિયો સંદેશમાં ભાઈશ્રીએ એક મોટી ગેરસમજ દૂર કરતા સ્‍પષ્ટતા કરી કે અધિક માસને સામાન્‍ય બોલીમાં ઘણા લોકો ‘મલમાસ' કહે છે અને આ માસમાં શુભ કાર્યો વર્જ્‍ય માને છે. પરંતુ પદ્મ પુરાણ સહિતના શાષોમાં કથા આવે છે કે જ્‍યારે અધિક માસને કોઈએ સ્‍વીકાર્યો નહીં ત્‍યારે ભગવાન શ્રીકૃષ્‍ણએ તેને પોતાની પાસે બોલાવી પોતાનું ‘પુરુષોત્તમ' નામ આપ્‍યું અને વરદાન આપ્‍યું કે આ માસમાં કરેલી નાની-મોટી દરેક સાધના, દાન, જપ, તપ, વ્રત અને સેવાનું અન્‍ય માસોની તુલનામાં અનંત ગણું ફળ મળશે. આથી આ માસ અશુભ નહીં પરંતુ સૌથી વધુ શુભ અને ફળદાયી છે.

પુરુષોત્તમ માસના નિયમો અને મહાત્‍મ્‍ય સમજાવતા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્‍યું કે આ ૩૦ દિવસ આત્‍મશુદ્ધિ, આત્‍મચિતન અને ઈશ્વરીય તત્ત્વ સાથે અનુસંધાન સાધવાનો દિવ્‍ય અવસર છે. આ સમયગાળા દરમિયાન દરેક વ્‍યક્‍તિએ પોતાના વ્‍યસ્‍ત જીવનમાંથી થોડો સમય કાઢીને ‘હરે કૃષ્‍ણ' મહામંત્રનું સ્‍મરણ, વિષ્‍ણુ સહષાનામનો પાઠ, શ્રીમદ્‌ ભાગવત, ભગવદ્‌ ગીતા કે રામાયણ જેવા સદ્‌ગ્રંથોનું વાંચન-શ્રવણ કરવું જોઈએ. સાથે જ ગૌસેવા, સંતસેવા, અન્નદાન, જળદાન, વષાદાન અને જરૂરિયાતમંદ, બીમાર કે અશક્‍ત લોકોની યથાશક્‍તિ સેવા કરવી જોઈએ.

ભાઈશ્રીએ ખાસ ભાર મૂકીને કહ્યું કે આ માસમાં ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્‍યા, અહંકાર અને નિદા જેવા દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. મનને શાંત, સ્‍થિર અને પ્રસન્ન રાખીને જો ભક્‍તિમાં લીન થઈએ તો વ્‍યક્‍તિના જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે. તેમણે ઉમેર્યું કે શક્‍ય હોય તો આ માસમાં એક સમય ભોજન કરવું, ભૂમિ પર શયન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને હંમેશા સત્‍ય બોલવાનું વ્રત લેવું જોઈએ. દરરોજ સાંજે તુલસી ક્‍યારે દીપદાન કરવું, પીપળાના વૃક્ષને જળ ચઢાવવું અને ગાયને રોટલી ખવડાવવી અત્‍યંત પુણ્‍યદાયી માનવામાં આવે છે.

ભાઈશ્રીએ વધુમાં જણાવ્‍યું કે પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા, પવિત્ર નદીઓમાં સ્‍નાન, કથા શ્રવણ, સંત સમાગમ અને નામ સંકીર્તન કરવાથી મનુષ્‍યના અનેક જન્‍મોના પાપોનો નાશ થાય છે અને અક્ષય પુણ્‍યની પ્રાપ્તિ થાય છે. આ માસ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનું સર્વશ્રેષ્ઠ માધ્‍યમ છે.

આ વર્ષે પુરુષોત્તમ માસ તા. ૧૭ મે ૨૦૨૬ થી ૧૫ જૂન ૨૦૨૬ સુધી રહેશે. આ પાવન માસ દરમિયાન પોરબંદર સ્‍થિત સાંદીપનિ વિદ્યાનિકેતન આશ્રમ ખાતે પૂજ્‍ય ભાઈશ્રીના સાનિધ્‍યમાં દરરોજ શ્રીમદ્‌ ભાગવત પારાયણ, વિષ્‍ણુયાગ, લક્ષ્મીનારાયણ પૂજન અને વિશેષ પ્રવચનોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત દેશભરના મોટા શહેરોમાં અને વિદેશમાં પણ ભાઈશ્રીની પ્રેરણાથી ભક્‍તો દ્વારા ભાગવત સપ્તાહ, અખંડ નામ સંકીર્તન, વિષ્‍ણુ સહષનામના સમૂહ પાઠ અને અન્નક્ષેત્રો સહિતના અનેકવિધ સેવાકીય અનુષ્ઠાનો યોજાશે.

સંદેશના અંતમાં પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ સમસ્‍ત માનવજાતના કલ્‍યાણ, વિશ્વમાં શાંતિ, ભારતની સમૃદ્ધિ અને પ્રત્‍યેક ભક્‍તના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્‍ય અને આધ્‍યાત્‍મિક ઉન્નતિ માટે પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્‍ણના ચરણોમાં પ્રાર્થના કરી હતી. તેમણે સૌને આ દિવ્‍ય માસને ઉત્‍સવની જેમ ઉજવી જીવનને ધન્‍ય બનાવવા આહ્વાન કર્યું હતું.(તસ્‍વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)

 

 

(10:09 AM IST)