<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

જોડીયામાં રિસામણે બેઠેલી પત્ની પર પતિનો હુમલો, માથામાં કોશ વાગતા ચાર ટાંકા

ઘરે પરત લઈ જવા દબાણ કરતા ઇન્કાર કરતાં હુમલો: જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૨૪ : જામનગર જિલ્લાના જોડીયામાં રિસાઈને માવતરે આવેલી પરિણીતા પર તેના પતિએ લોખંડની કોશથી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવતીના માથામાં ત્રણથી ચાર ટાંકા આવ્યા છે.

 

તા. 23 એપ્રિલ 2026ના રોજ આશરે 11 વાગ્યે જોડીયાના મફતીયાપરા વિસ્તારમાં બનેલી ઘટના મુજબ ફરિયાદી નાજમીનબેન મોસીનભાઈ છેર ઉ.વ. 19 પોતાના ઘરે એકલી હતી. દરમિયાન આરોપી પતિ મોસીનભાઈ શબીરભાઈ છેર ત્યાં આવ્યો હતો અને પોતાની સાથે આવવા માટે કહેતા નાજમીનબેને ઇન્કાર કર્યો હતો.

 

ઇન્કાર કરતા ઉશ્કેરાયેલા આરોપીએ બોલાચાલી કરી ગાળો બોલી ફળિયામાં પડેલી લોખંડની કોશ વડે ફરિયાદીના માથાના ડાબા ભાગે, આંખ પાસે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઇજાના કારણે માથામાં ત્રણથી ચાર ટાંકા આવ્યા હોવાનું જાણવા મળે છે. ઉપરાંત આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

 

આ બનાવ અંગે ફરિયાદી નાજમીનબેન દ્વારા જોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. ઉપરાંત આરોપીએ જિલ્લા કલેક્ટર જામનગર દ્વારા જાહેર કરાયેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું પણ નોંધાયું છે. જોડીયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(1:30 PM IST)