<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

જૂનાગઢના મેંદરડા તાલુકામાં 42 સરપંચોની ભૂખ હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત, વહીવટી પ્રશ્નો અને ગ્રાન્ટના અભાવે ગ્રામ્ય વિકાસના તમામ કામો સંપૂર્ણપણે ઠપ

પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરપંચોએ ઉપવાસ આંદોલન વધુ તેજ બનાવ્યું, તાલુકાના ગામડાઓમાં વિકાસની ગતિ થંભી ગઈ, તંત્ર સામે રોષ વ્યાપ્યો

 મેંદરડા તા.૨૦ : જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના 42 ગામના સરપંચો દ્વારા શરૂ કરવામાં આવેલી ભૂખ હડતાળ આજે 20 મેના રોજ ત્રીજા દિવસમાં પ્રવેશી છે. વહીવટી પ્રશ્નો, ગ્રાન્ટ ફાળવણીમાં વિલંબ અને વિકાસ કામોની મંજૂરી ન મળવાના કારણે સરપંચોએ આ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. હડતાળના કારણે તાલુકાના તમામ ગામોમાં વિકાસ કામો સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે.

 

મળતી વિગતો મુજબ, મેંદરડા તાલુકાના સરપંચો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિકાસને લગતા પ્રશ્નો જેવા કે 15મા નાણાપંચની ગ્રાન્ટ, મનરેગાના કામો, પાણી પુરવઠા યોજના અને રોડ-રસ્તાના કામોની મંજૂરી માટે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા આખરે સરપંચોએ એક થઈને ભૂખ હડતાળ શરૂ કરી છે.

 

ત્રીજા દિવસે પણ આંદોલન યથાવત રહેતા તાલુકાના ગામડાઓમાં વહીવટી કામગીરી અને વિકાસની પ્રક્રિયા ઠપ થઈ ગઈ છે. ગ્રામ પંચાયત કચેરીઓમાં તાળા લાગી ગયા છે અને રોજબરોજના કામો માટે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરપંચોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમના તમામ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

 

આંદોલનકારી સરપંચોએ આક્ષેપ કર્યો છે કે તંત્રની ઉદાસીનતાના કારણે ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. ગ્રાન્ટ સમયસર ન મળતી હોવાથી અનેક વિકાસ કામો અધવચ્ચે અટકી પડ્યા છે. ગઈકાલે કરશનદાસ બાપુ ભડારકાએ પણ સ્થળ પર પહોંચીને સરપંચોના આંદોલનને સમર્થન આપ્યું હતું અને 'લોકશાહીમાં સરપંચ પાયાની ઈંટ છે' એમ જણાવી તંત્રને તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી હતી.

 

 

તંત્રની સ્થિતિ

 

 

બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચો સાથે વાટાઘાટોના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ સરપંચો લેખિતમાં બાંહેધરી મળે ત્યાં સુધી હડતાળ સમેટવા તૈયાર નથી. ત્રણ દિવસથી વિકાસ કામો ઠપ હોવાથી ગ્રામજનોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

(4:53 PM IST)