તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 16th October 2026
સુરેન્દ્રનગરમાં પરણિત મહિલા સાથે થયેલા કથિત અમાનવીય અત્યાચારના મામલે માનવ અધિકાર આયોગે રિપોર્ટ માંગ્યો
આખરે એવી કઈ ઘટના બની કે આયોગે પોતે નોંધ લઈને અધિકારીઓને બે અઠવાડિયામાં જવાબ આપવા સૂચના આપી?

સુરેન્દ્રનગર જિલ્લામાં પરિણીત મહિલા પર થયેલા કથિત અમાનવીય અત્યાચારના મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ( NHRC)એ ગંભીર નોંધ લીધી છે. મહિલાને માર મારવા, ઝાડ સાથે બાંધવા અને જાતીય હિંસા આચરવાના આરોપો સામે આવ્યા છે. આયોગે સુરેન્દ્રનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી બે અઠવાડિયામાં વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
અહેવાલો મુજબ પરિણીત મહિલા અન્ય પુરુષ સાથે રહેવા ગઈ હતી. આ બાબતથી નારાજ પતિ અને તેના પરિવારજનોએ કથિત રીતે બંનેને શોધીને પરત લાવ્યા હતા. ત્યારબાદ શુદ્ધિકરણની વિધિના બહાને મહિલાને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો અને ઝાડ સાથે બાંધવામાં આવી હતી.
આરોપીઓએ મહિલા સાથે રહેલા પુરુષને તેની સાથે બળજબરીથી જાતીય કૃત્ય કરવા મજબૂર કર્યો હોવાનો પણ આરોપ છે. ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
16 ઓક્ટોબરે NHRCએ આ ઘટનાની સ્વયં નોંધ લીધી હતી. આયોગે જણાવ્યું કે મીડિયા અહેવાલોમાં દર્શાવેલી વિગતો સાચી હોય તો તે માનવ અધિકારોના ગંભીર ઉલ્લંઘનનો મામલો બને છે.
આયોગે જિલ્લા મેજિસ્ટ્રેટ અને સુરેન્દ્રનગરના SP પાસેથી વિગતવાર અહેવાલ માગ્યો છે. તેમાં પીડિતાની હાલની તબિયત અને તેને કોઈ વળતર ચૂકવાયું હોય તો તેની માહિતી પણ સામેલ કરવાની રહેશે.
અગાઉના અહેવાલો મુજબ પોલીસે મહિલાના પતિ સહિત નવ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. પોલીસે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટનામાં દરેક આરોપીની ભૂમિકા અને વીડિયો પ્રસારિત કરવાના સંજોગો અંગે તપાસ ચાલુ છે.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
