તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 4th October 2026
ભાવનગરમાં દૂધના ફેટમાં ૫૪ લાખનું મસમોટું કૌભાંડ; એલસીબીએ ૬ આરોપીઓને દબોચ્યા
બોગસ રિપોર્ટ બનાવી ડેરી કંપનીને ચૂનો ચોપડનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયા, ૩.૮૦ લાખ લીટર દૂધમાં ૧૧૧૮.૯ કિલો ફેટનો તફાવત બહાર આવ્યો

ભાવનગર : ભાવનગર જિલ્લામાં દૂધના ફેટના ખોટા અને બનાવટી રિપોર્ટ ઊભા કરી એક પ્રતિષ્ઠિત ડેરી કંપની સાથે આશરે ૫૪ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાના આર્થિક કૌભાંડનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધારો સહિત ૬ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરતનગર, તળાજા તેમજ ભાલ પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં અગાઉનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો પણ સામેલ છે.
ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં દૂધ ઉત્પાદકો અને સંકલિત ડેરી નેટવર્ક વચ્ચે થતા દૈનિક વ્યવહારોમાં છેડછાડ કરીને આચરવામાં આવેલા આ ગુનામાં, ડેરી કંપનીના નિયમિત ઓડિટ અને આંતરિક તપાસ દરમિયાન જથ્થા તથા ફેટના હિસાબમાં ગંભીર વિસંગતતા સામે આવી હતી. સંચાલકો અને વચેટિયાઓએ સાઠગાંઠ રચીને દૂધમાં વાસ્તવિક ફેટ કરતાં વધુ ફેટ દર્શાવતા બોગસ રિપોર્ટ તૈયાર કર્યા હતા અને ખોટા આંકડાઓના આધારે ડેરી કંપની પાસેથી લાખો રૂપિયાનું વધારાનું ચુકવણું મેળવ્યું હતું.
પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગતો મુજબ, આરોપીઓએ કુલ ૩.૮૦ લાખ લીટર દૂધના વિશાળ વ્યવહારમાં છેડછાડ કરી હતી અને ૧૧૧૮.૯ કિલો ફેટનો ગેરકાયદેસર તફાવત ઊભો કર્યો હતો. આ કેસમાં પોલીસે રત્નાભાઈ મેર, શિવભદ્રસિંહ ચુડાસમા, ગોપાલભાઈ મેવાડા, જગદીશભાઈ તોટા, નાનુભાઈ હાડગરડા અને જયદીપ ભુવાને ગિરફ્તાર કર્યા છે, જ્યારે પકડાયેલા શખ્સો પૈકી રત્નાભાઈ મેર અને જગદીશ ટોટા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું ખુલ્યું છે.
અગાઉ પણ આવા સહકારી કે ખાનગી ડેરી નેટવર્કમાં ગેરરીતિઓના બનાવો સામે આવતા રહ્યા છે, ત્યારે આગામી સમયમાં ડેરી ઉદ્યોગમાં ડિજિટલ મિલ્ક ટેસ્ટિંગ અને ફેટ એનાલાઇઝર મશીનોની ઓનલાઇન ચકાસણી વધુ સઘન બનાવવામાં આવશે જેથી પશુપાલકો અને કંપનીઓ સાથે થતી છેતરપિંડી અટકાવી શકાય.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
