News of Saturday, 16th May 2026
ત્રણ વર્ષના કાર્યકાળમાં જામનગર કોર્પોરેશનની વેરા આવકમાં જંગી વધારો: રૂ. 110 કરોડથી સીધા 163 કરોડે પહોંચી, નાણાકીય શિસ્ત અને વસૂલાતમાં નોંધપાત્ર સફળતા :મ્યુ. કમિશનર ડી. એન. મોદીના નેતૃત્વમાં વિક્રમી ડિમોલીશન, રિવરફ્રન્ટ માટે માર્ગ મોકળો
શહેરના તમામ પ્રવેશદ્વારો પહોળા થયા, ડિજિટલ સેવાઓ અને શહેરી વનીકરણથી જામનગરને મળી નવી ઓળખ :જેએમસી કનેક્ટ એપ દ્વારા હજારો નાગરિકોને ઈ-સેવા, હાપા અને સોનલનગરમાં વન કવચનું નિર્માણ, ત્રણ નવા યુસીએચસી અને બે સેન્ટરો શરૂ, જીઆઈડીસી વિવાદનો સુખદ ઉકેલ આવતાં વિકાસ કામોને મળી ગતિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૧૬ : જામનગર મહાનગરપાલિકા જેવી સ્વાયત સંસ્થામાં તથા વિકાસ કાર્યો તેમજ શહેરીજનોની સુખાકારી માટે લેવાતા નિર્ણયનો યશ આમ તો સતાધીશોના ફાળે જતો હોય છે અને દોષનો ટોપલો મોટેભાગે વહીવટી પાંખ ઉપર ઢોળાતો જોવા મળે છે. પરંતુ સફળ દરેક કાર્યોમાં વહીવટી પાંખની ભૂમિકા મોટી અને પરિણામલક્ષી રહેતી હોય છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીના કાર્યકાળમાં મેગા ડિમોલીશન થવા સાથે સાથે, હજારો વૃક્ષો ઉગાડીને શહેરી વનીકરણના કામ, શહેરમાં લાલપુર, ખંભાળીયા, રાજકોટ, કાલાવડ તરફથી પ્રવેશવાના તમામ રોડ પહોળા થયા છે અને સુખાકારીના સંખ્યાબંધ વિકાસ કાર્યો થયા છે.
જામનગરમાં ત્રણ વર્ષનો કાર્યકાળ ધરાવતા અને હાલમાં જ બદલી પામીને રાજ્યના વિકાસ કમિશનર બનેલા કમિશનર ડી. એન. મોદીએ મ્યુ. કોર્પોરેશનના સ્ટાફમાં સંઘ ભાવના, એક ટીમ સ્પિરીટ સર્જી હતી. જેના પરિણામરુપે રીવર ફ્રન્ટ માટે તથા ટીપી અને ડીપી રોડ માટેના રંગમતી નદી કાંઠાના, બચુનગરના, નાગમતી નદી પ્રવાહને અવરોધતા મેગા ડિમોલીશનો શક્ય થયા હતા. કમિશનરે ખુદ તમામ ડિમોલીશન ઓપરેશનોની જાત દેખરેખ અને સુઝબુઝ તથા કુનેહથી કામગીરી કરાવતાં વર્ષો જુના દબાણો વર્ષ 2025 ના એપ્રિલથી જુન માસમાં દુર થવા પામ્યા હતા. જેના પરિણામે કરોડો રુપિયાની સરકારી જગ્યાઓ ખુલ્લી થઈ છે અને રિવરફ્રન્ટ માટેનો માર્ગ મોકળો થયો છે.
ડિમોલીશન શિવાય અન્ય પ્રોજેક્ટની વાત કરીએ તો શહેરમાં રણજીતસાગર રોડ અને સમર્પણ સર્કલ નજીક ખંભાળિયા રોડ પર બે નવા સેન્ટરો શરૂ થયા છે. આજ રીતે મીની હોસ્પિટલ જેવી સુવિધા ધરાવતા ત્રણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો શરૂ થયા છે.
કોર્પોરેશન અને જીઆઇડીસીના ઉદ્યોગકારો વચ્ચે વર્ષ 2018થી લેણી વેરાની રકમનો વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યો હતો. પરંતુ વાટાઘાટો અને મધ્યસ્થીના કારણે ઉદ્યોગકારોના અને સરકારના હિતમાં વચલો માર્ગ કાઢીને ઉદ્યોગકારોના વેરાના નાણાનો મહત્તમ હિસ્સો જીઆઈડીસી-2 અને 3 ના વિકાસ-નિભાવ કામોમાં વપરાય તે માટે એક એમઓયુ કરીને વિવાદ પુરો કરવામાં આવતાં કોર્પોરેશનની વેરા આવકમાં કરોડોની વૃધ્ધી નોંધાઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં મહાનગરપાલિકાની વેરા આવક 110 કરોડથી વધીને ગત માર્ચ માસના અંતે પુરા થતા 2025-26 ના નાણાકીય વર્ષના અંતે રૂ.163 કરોડએ પહોંચી છે.
મ્યુ. કમિશનર મોદીના કાર્યકાળમાં મહાનગરપાલિકાની ઈ-સેવા સિસ્ટમ ઉભી થઈ છે. જેએમસી કનેક્ટ નામની એપ્લિકેશન લોન્ચ કરનારી જામનગર મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. આજે તેના હજારો ઉપયોગકર્તાઓ છે. આજ રીતે અર્બન ફોરેસ્ટેશન એટલે કે શહેરી વનીકરણ પર તેઓના કાર્યકાળમાં મોટું કામ થયું છે. હાર્ટ પફુલનેસ સંસ્થા, વન વિભાગના સંકલનમાં હાપા વિસ્તારના મહાનગરપાલિકાના વિશાળ પ્લોટોમાં હજારો વૃક્ષો ઉગાડીને વન કવચ તૈયાર કરાયું છે.
આજ રીતે સોનલ નગર ખાતેના મહાનગરપાલિકાના વિશાળ પ્લોટમાં રિલાયન્સ કંપનીના સહયોગથી હજારો વૃક્ષ ધરાવતું વધુ એક વન કવચ તૈયાર થઈ રહ્યું છે જેનો સીધો લાભ શેરીજનોને મળશે કારણ કે અહીં આસપાસના વિસ્તારોના લોકો માટે વોકિંગ પાથની સુવિધા પણ બની રહી છે.
આમ શહેરના સંખ્યાબંધ વિકાસ કાર્યોમાં રાજ્ય સરકાર સાથે સંકલન સાધીને શહેરના કલ્યાણના પ્રોજેક્ટોને આગળ ધપાવવા તેમજ નવા પ્રોજેક્ટ લઈને પૂરા કરવામાં મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદીની સક્રિય ભૂમિકાના મીઠા ફળ શહેરને મળ્યા છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
