તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
કચ્છમાં ગણેશોત્સવનો ભારે ઉત્સાહ: ભુજમાં કાચા માલના કારણે મૂર્તિઓના ભાવમાં ૧૦૦% નો વધારો થવા છતાં શ્રદ્ધાળુઓ દ્વારા ધૂમ ખરીદી, સુરક્ષા માટે પોલીસ તંત્ર પણ સજ્જ
રૂ. ૨૦૦ થી ૨૦,૦૦૦ સુધીની ગણેશ પ્રતિમાઓનું વેચાણ: રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સ્થાપનાથી વિસર્જન સુધી કડક બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ માટે આપ્યા આદેશો

ભુજ : દુંદાળા દેવ ગણપતિ બાપાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કચ્છના મુખ્ય મથક ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ગણેશોત્સવને લઈને ભારે રોમાંચ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજના જુબિલી ગ્રાઉન્ડથી વી.ડી. હાઈસ્કૂલ તરફ જતા ધમધમતા માર્ગની બંને બાજુએ ગણેશજીની આકર્ષક પ્રતિમાઓ ગોઠવાઈ ગઈ છે. આ વર્ષે કાચા માલના ભાવમાં થયેલા વધારાને કારણે મૂર્તિઓના ભાવમાં ૫૦ થી ૧૦૦ ટકા સુધીનો તગડો વધારો ઝીંકાયો હોવા છતાં, ગણેશ ભક્તોની આસ્થા આગળ મોંઘવારી તુચ્છ સાબિત થઈ રહી છે.
મૂર્તિના વિક્રેતાઓ પ્રવીણ મારવાડી અને જમનાબેન ગોપાલ મારવાડીના જણાવ્યા અનુસાર, હાલ રસ્તા કિનારે રૂ. ૨૦૦ થી શરૂ કરીને રૂ. ૨૦,૦૦૦ સુધીની નાની-મોટી ગણેશ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. ભાવ બમણા થઈ ગયા હોવા છતાં મંડળો અને શ્રદ્ધાળુઓ દ્વારા વહેલી સવારથી જ મૂર્તિઓનું બુકિંગ અને ખરીદી કરવામાં આવી રહી છે, જેના કારણે બજારોમાં ગણેશ ભક્તિનો અનેરો ધસારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવનો આ પાવન પર્વ શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તમામ જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઈજીને ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ રોડમેપ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.
તહેવાર દરમિયાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા, રૂટ ડાયવર્ઝન અને ૨૪ કલાક પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવા આદેશો અપાયા છે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારો અને ગણેશ વિસર્જનના શોભાયાત્રા માર્ગો પર સીસીટીવી (CCTV) અને ડ્રોન કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. તંત્ર તરફથી સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ કાફલો રાઉન્ડ-ધ-ક્લોક તૈનાત રહેશે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
