<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

જામનગર ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે વિવાદ, 104 ફોર્મ રદ અને 21 આયાતી ઉમેદવારોને લઈને કાર્યકરોમાં રોષ

સિનિયર નેતાઓને કાપી પરિવારજનોને ટિકિટ, સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રિવાબા જાડેજા સામે નારાજગી; વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી ફરિયાદ

જામનગર, તા.16: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત બાદ પાર્ટીમાં મોટો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ટિકિટ ફાળવણીમાં પારદર્શિતાના અભાવ, સિનિયર નેતાઓને કાપીને તેમના પરિવારજનોને ટિકિટ આપવા અને બહારથી લાવેલા ઉમેદવારોને લઈને પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે.

 

જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકો માટે કુલ 290 ઉમેદવારોએ 317 ફોર્મ ભર્યા હતા, જેમાંથી 104 ફોર્મ રદ થયા છે. સૌથી વધુ 18 ફોર્મ વોર્ડ નંબર 16માં અને 12 ફોર્મ વોર્ડ નંબર 12માં રદ થયા હતા. આ રદ થવાની પ્રક્રિયા દરમિયાન એક પાવર લાઈન કોન્ટ્રાક્ટરે કોંગ્રેસના અગ્રણી નેતાને લાંચ આપ્યાના આક્ષેપો પણ સામે આવ્યા છે.

 

ભાજપે જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકોમાં એક પણ સિટિંગ સભ્યને રિપીટ ન કરતા તમામને બદલી નાખ્યા છે. આ પગલાથી અનેક જૂના અને વરિષ્ઠ સભ્યો તેમજ પાયાના કાર્યકરોમાં નિરાશા વ્યાપી છે. મહાનગરપાલિકાના 64માંથી 21 ઉમેદવારો અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવેલા છે. આ આયાતી ઉમેદવારોને ટિકિટ આપવાના કારણે પાર્ટીમાં આંતરિક કલહ વકર્યો છે.

 

સિનિયરોને કાપીને તેમના પરિવારજનોને સાચવવાના પણ અનેક કિસ્સા સામે આવ્યા છે. પૂર્વ મેયર હસમુખ જેઠવાને ટિકિટ ન આપી તેમના પુત્ર પાર્થને ટિકિટ આપવામાં આવી છે. જશરાજ પરમારના બદલે તેમના પુત્ર તપનને ટિકિટ મળી છે. ગત ટર્મમાં યોગેશભાઈ કણઝારિયાને ટિકિટ અપાઈ હતી, આ વખતે તેમની પત્ની સોનલબેનને ટિકિટ આપવામાં આવી છે.

 

આ સમગ્ર મામલે જામનગરના સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા અને ભાજપ શહેર પ્રમુખ બિનાબેન કોઠારી સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે. કાર્યકરો દ્વારા આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી સુધી ફરિયાદો પહોંચાડવામાં આવી છે.

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 3 ટર્મ કે તેથી વધુ વખત ચૂંટણી લડેલા ઉમેદવારોને ટિકિટ ન આપવાના નિયમ સામે પણ સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે આ નિયમના કારણે અનુભવી નેતાઓ નિષ્ક્રિય થઈ જશે અને પાર્ટીને નુકસાન થશે.

 

આ વિવાદને પગલે ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક કાર્યકરો પક્ષ વિરુદ્ધ મેદાને પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

(4:31 PM IST)