News of Tuesday, 3rd November 2026
વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણમાં યુવતીને હાજર ન કરતા યુવકનું મકાન સળગાવી દીધું : તમામ 8 આરોપીઓ જેલહવાલે
ફરિયાદના આધારે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી છે. વિંછીયાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણને લગતી અદાવતમાં એક યુવકનું મકાન સળગાવી દેવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, યુવતીને હાજર ન કરવાના મામલે રોષે ભરાયેલા શખ્સો ધારીયા અને તલવાર જેવા ઘાતક હથિયારો સજ્જ થઈને અચાનક યુવકના ઘરે ત્રાટક્યા હતા અને મકાનને આગ ચાંપી દીધી હતી. ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાના કારણે સમગ્ર પંથકમાં ભય અને ચર્ચાનો માહોલ ફેલાઈ ગયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિંછીયા પોલીસે ત્વરિત પગલાં લીધા હતા અને ભોગ બનનારના પક્ષની ફરિયાદના આધારે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધીને તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આઠેય આરોપીઓના નામ નીચે મુજબ છે: 2. હકા રત્ના જોગરાજિયા, 2. રાયધન દેવસી જોગરાજીયા, 3. આશિષ રાયધન જોગરાજીયા, 4. પ્રકાશ ગોરધન જોગરાજીયા, 5. જયંતી સવજી જોગરાજીયા, 6. રસિક સામા જોગરાજીયા, 7. નિલેશ હકા જોગરાજીયા, 8. વળકું જાદવ જોગરાજીયા.
આરોપીઓ પાસેથી હથિયારો જપ્ત કરવા અને આ સમગ્ર કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વિંછીયા પોલીસ દ્વારા વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તહેવારો અને શાંતિના માહોલ વચ્ચે આવી હિંસક ઘટનાઓને ડામવા માટે પોલીસ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
(9:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
