<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

રક્તના દરેક ટીપામાં જીવનની આશા: BSF ભુજના 58 અધિકારી-જવાનોએ કર્યું સ્વૈચ્છિક રક્તદાન

રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે કૉમ્બાઇન્ડ હોસ્પિટલમાં યોજાયો રક્તદાન કેમ્પ; વિવિધ બટાલિયનના જવાનો જોડાઈ માનવસેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ): રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભુજ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા માનવસેવાના ભાવ સાથે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉમ્બાઇન્ડ હોસ્પિટલ, સેક્ટર હેડક્વાર્ટર, BSF ભુજ ખાતે યોજાયેલા આ કેમ્પમાં BSFના 58 અધિકારીઓ અને જવાનોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓના જીવન બચાવવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સ્થાનિક આરોગ્ય વિભાગ તથા જી.કે. જનરલ હોસ્પિટલના ડૉ. નીલેશ રાજપૂતના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાની સાથે હોસ્પિટલોમાં સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો.

આ સેવાકીય અભિયાનમાં 68 બટાલિયન, 85 બટાલિયન, 90 બટાલિયન, 176 બટાલિયન, 193 બટાલિયન, 1033 આર્ટિલરી તથા વોટર વિંગના જવાનો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશની સરહદોની સુરક્ષા સાથે માનવજીવનની રક્ષા માટે પણ BSFના જવાનોએ પોતાની જવાબદારી નિભાવતા સમાજ સમક્ષ સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે શ્રી યોગેશ કુમાર, કમાન્ડન્ટ, 176 બટાલિયન, શ્રી એસ.એસ. ઠાકુર, કમાન્ડન્ટ, 1033 આર્ટિલરી, શ્રી અશોક કુમાર, દ્વિતીય કમાન અધિકારી, 176 બટાલિયન, ડૉ. સુમિતા અને ડૉ. અનામિકા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કમાન્ડન્ટે જણાવ્યું હતું કે, “રક્તદાન એક મહાન કાર્ય છે. આપણા સમર્પિત અને સક્ષમ જવાનોની આ સેવાભાવી ભાગીદારી ગૌરવની બાબત છે. રક્તદાન માત્ર સામાજિક સરોકાર જ નહીં, પરંતુ માનવ કલ્યાણ અને અમૂલ્ય માનવજીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

BSFના અધિકારીઓ અને જવાનો દ્વારા કરવામાં આવેલા આ રક્તદાનથી રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસનો સંદેશ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં ‘રક્તનું એક દાન, કોઈના જીવનનું રક્ષણ’ જેવી માનવતાની ભાવનાને સાકાર કરતો બન્યો હતો.

(6:42 PM IST)