<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

મોરબીમાં ઈમરજન્સી સેવા માટે ખડેપગે રહેતા કર્મવિરોને મીઠાઈ આપી સન્માન કરીને યંગ ઈન્ડિયા ગ્રુપે ઉજવી દિવાળી.

તહેવારમાં ફરજ બજાવતા પોલીસ, ફાયરબ્રિગેડ, એસ.ટી. અને સફાઈ કર્મીઓ સહિતના કર્મવીરોની રૂબરૂ મુલાકાત લઈ સન્માન કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : દિવાળીના પર્વમાં દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે આનંદની પળો વિતાવતી હોય છે, પરંતુ આ જ સમયે અનેક લોકો એવા પણ હોય છે, જેઓ તહેવારની રજાઓ અને પારિવારિક પ્રસંગોથી દૂર રહી નાગરિકોની સુખાકારી અને સુરક્ષા માટે પોતાની ફરજ નિભાવતા હોય છે. જેમના માટે ડ્યુટી ઈઝ ફર્સ્ટ અને ફેમેલી નેક્સ્ટ હોય છે એવા નિષ્ઠાવાન કર્મચારીઓની મહેનત અને સમર્પણને યોગ્ય માન આપવાના હેતુથી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના અવસરે વિશેષ 'કર્મવીર કૃતજ્ઞતા અભિયાન' હાથ ધરવામાં આવ્યું હતું.
   યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક અને માર્ગદર્શક ડો. દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ દિવાળીની ખુશીઓ એવા લોકો સાથે વહેંચવાનું નક્કી ક૨વામાં આવ્યું હતું, જેમની ફરજના કારણે નાગરિકો તહેવારો દરમિયાન સુરક્ષિત અને સુવિધાજનક જીવન જીવી શકે છે. આ અભિયાનમાં પોલીસ વિભાગ, ટ્રાફિક પોલીસ, એસ.ટી. વિભાગ, નગરપાલિકાના સફાઈ કર્મીઓ, ફાયરબ્રિગેડ, રેલવે અને પેટ્રોલપંપ સહિતની વિવિધ જાહેર સેવાઓમાં કાર્યરત કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગ્રુપના સભ્યોએ અલગ-અલગ સ્થળોએ જઈ કર્મચારીઓને મીઠાઈ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી. પોતાની ફરજ અને સેવાભાવને જાહેરમાં બિરદાવવામાં આવતાં કર્મચારીઓમાં પણ વિશેષ પ્રસન્નતા જોવા મળી હતી.
  આ પ્રસંગે ડો. દેવેન રબારીએ જણાવ્યું હતું કે દિવાળીને માત્ર ઘરની સજાવટના ઉત્સવ તરીકે જોવાને બદલે આંતરિક પરિવર્તનના પર્વ તરીકે સમજવી જોઈએ. જ્યારે પરિવારો ઉત્સવની મોજ માણતા હોય છે, ત્યારે પોલીસકર્મીઓ નાગરિકોની સલામતી માટે રસ્તાઓ પર તૈનાત હોય છે, એસ.ટી.ના કર્મચારીઓ મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડે છે, સફાઈ કર્મચારીઓ શહેરને સ્વચ્છ રાખે છે અને ફાયરબ્રિગેડના જવાનો કોઈપણ દુર્ઘટનાને પહોંચી વળવા તૈયાર રહે છે. આવા કર્મચારીઓ સુધી પ્રેમપૂર્વક પહોંચવું, તેમની મહેનતને ઓળખવી અને તેમના આનંદમાં સહભાગી બનવું એ કોઈ દાન કે ઉપકાર નથી, પરંતુ સમાજ તરીકે આપણી જવાબદારી છે.
   આ સમગ્ર પ્રવૃત્તિને સફળ બનાવવા યંગ ઈન્ડિયા ગ્રુપના રાજન પુરબિયા, દિલીપ દલસાણિયા, જયેશ બાર, હરેશ ઝાપડા, આશિષ દાફડા, જયેશ ઝાપડા, આનંદ સિંધવ અને વિજય રબારી સહિતના સભ્યોએ વિવિધ સ્થળોએ જઈ કર્મચારીઓ સાથે આત્મીયતાપૂર્વક મુલાકાત કરી હતી અને મીઠાઈ અર્પણ કરી તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપે પોતાની ખુશીઓની ઉજવણીની સાથે બીજાના પરિશ્રમને સન્માન આપવાનો અભિગમ અપનાવીને દિવાળીના પર્વને વધુ અર્થસભર બનાવ્યો હતો

(10:48 PM IST)