તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરનો સન્માનસભર સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રસંગ
ત્રણ દાયકાથી વધુ સમય સુધી ફાયર સેવામાં આપ્યું નોંધપાત્ર યોગદાન: રાજ્યમાં ફાયરની નીતિ ઘડવામાં પણ મહત્વનું યોગદાન

જામનગર : જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંબા સમય સુધી નોંધપાત્ર અને પ્રશંસનીય સેવા આપનાર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ આજે સત્તાવાર રીતે સ્વેઇચ્છીક નિવૃત્ત થયા છે. લગભગ ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ફાયર સેવામાં કાર્યરત રહેલા ફાયર અધિકારી એ પોતાના હોદ્દા પરથી વિદાય લેતાં ફાયર વિભાગ તેમજ મહાનગરપાલિકાના કર્મચારીવર્ગમાં લાગણીસભર માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ તેઓ વર્ષ ૧૯૯૨માં આસિસ્ટન્ટ ફાયર ઓફિસર તરીકે જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં જોડાયા હતા. ફરજ દરમિયાન તેઓએ અનેક અગ્નિકાંડ, આપત્તિજનક પરિસ્થિતિઓ તથા બચાવ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોતાની નિષ્ઠા, અનુભવો અને કાર્યક્ષમતાના કારણે તેઓએ સમગ્ર રાજ્યસ્તરે આગવી ઓળખ ઉભી કરી હતી.
ફાયર સેવાના ક્ષેત્રમાં તેમના વિશાળ અનુભવને ધ્યાનમાં રાખી તેઓએ ગુજરાત રાજ્યમાં ફાયર વિભાગની નવી નીતિ ઘડવાની કામગીરીમાં પણ ડાયરેક્ટર તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમની કામગીરીને ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા હંમેશા પ્રશંસા મળી હતી.
નિવૃત્તિ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓ તેમજ તેમના મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સહકર્મચારીઓએ તેમના શિસ્તબદ્ધ સ્વભાવ, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માર્ગદર્શનને યાદ કરી ભાવુકતા વ્યક્ત કરી હતી.
ફાયર વિભાગમાં તેમના લાંબા અને યાદગાર કાર્યકાળ બદલ શહેરભરમાંથી પણ તેમને શુભકામનાઓ પાઠવાઈ રહી છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જેઓએ આજે પોતાની ફરજ પૂર્ણ કરી ત્યારબાદ સમગ્ર ફાયર સ્ટાફ પોતાના સંપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈને આવ્યો હતો, અને ખુદ ચીફ ફાયર ઓફિસર કે કે બિસનોઈ પણ પોતાની ફરજ માં સંપૂર્ણ પહેરવેશ સાથે હાજર રહ્યા હતા, અને તેઓને રંગબેરંગી ફૂલોની ગાડી સાથે શણગાર કરીને તમામ સ્ટાફે દોરડેથી ગાડી ખેંચીને માનભેર વિદાય આપી હતી, તે વેળાએ પણ ખૂબ જ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
