News of Thursday, 21st May 2026
ગીરગઢડા તાલુકામાં હનીટ્રેપઃ નકલી પોલીસે ૨.૦૫ લાખ પડાવ્યા
ધાર્મિક બુકના સ્ટોલમાં નોકરી કરતા વિઠ્ઠલભાઇને વોટસએપમાં અજાણી યુવતીએ મિત્ર બનાવીને વિશ્વાસ કેળવી રૂબરૂ બોલાવેલઃ યુવતી સાથે પ્રેમાલાપ સમયે નકલી પોલીસ બનીને ૪ અજાણ્યા શખ્સો કારમાં આવીને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપેલઃ શીવાની પટેલ તથા ૪ અજાણ્યા સામે ગુન્હો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૧: ગીર ગઢડામાં ‘‘હનીટ્રેપ''નો સનસનીખેજ કાંડમાં વોટસએપમાં યુવતીએ પ્રેમજાળમાં ફસાવી ‘ફેક પોલીસ' બનીને અને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપીને ધાર્મિક બુકમાં સ્ટોલમાં નોકરી કરતા વિઠ્ઠલભાઇ પાસે ૨.૦૫ લાખ પડાવી લીધા હતા.
દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ધાર્મિક સ્ટોલમાં નોકરી કરતા વિઠ્ઠલભાઈ ગગજીભાઈ રૂપાળાને એક અજાણી યુવતીએ વોટ્સએપ દ્વારા મિત્રતા કરી વિશ્વાસમાં લીધા બાદ રસ્તામાં ગેંગને બોલાવી અપહરણ જેવી પરિસ્થિતિ ઉભી કરી હતી. આરોપીઓએ પોતે ‘‘જૂનાગઢ પોલીસ'' હોવાનું કહી ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી મારકૂટ સાથે રૂ.૨.૦૫ લાખ પડાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
આ અંગે પોલીસ ફરિયાદ અનુસાર, ગત ફેબ્રુઆરીમાં રોજ વિઠ્ઠલભાઈના મોબાઇલમાં ‘‘શિવાની પટેલ'' નામની યુવતીનો વોટ્સએપ મેસેજ આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે નિયમિત વાતચીત શરૂ થઈ હતી. યુવતીએ દ્રોણેશ્વર ગુરુકુલના ધાર્મિક સ્ટોલના વીડિયો અને ફોટા પણ મંગાવ્યા હતા. ધીમે ધીમે વિશ્વાસ કેળવી યુવતીએ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભાવનગરથી દ્રોણેશ્વર આવવાની વાત કરી હતી.
વિઠ્ઠલભાઈ ગીર ગઢડા દ્રોણ ચોકડી સુધી યુવતીને લેવા ગયા હતા. ત્યાંથી બંને દ્રોણેશ્વર ગુરુકુલ પહોંચ્યા હતા, જ્યાં યુવતીએ સ્ટોલમાંથી રૂ.૫૪૦ની ખરીદી કરી હતી. ત્યારબાદ યુવતીએ ધોકડવા મુકવા માટે વિનંતી કરતાં વિઠ્ઠલભાઈ પોતાની મોટરસાયકલમાં તેને લઈ નીકળ્યા હતા.
અંબાડા ગામના પાટિયા પાસે પહોંચતા યુવતીએ પાણી પીવા અને આરામ કરવા બહાને મોટરસાયકલ ઉભી રાખાવી હતી. બંને રસ્તા કિનારે બેસેલા ત્યારે અચાનક કાળા રંગની ફોર વ્હીલ કાર ધસી આવી હતી. કારમાંથી ચાર અજાણ્યા શખ્સો નીચે ઉતરી આવ્યા હતા અને પોતે ‘‘જૂનાગઢ પોલીસ'' હોવાનું કહી વિઠ્ઠલભાઈનો મોબાઇલ ફોન તથા મોટરસાયકલની ચાવી કબજે કરી લીધી હતી.
આરોપીઓએ યુવતી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી હોવાનું કહી વિઠ્ઠલભાઈને પણ ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કારમાં બેસાડી દીધા હતા. બાદમાં તેમને ઘોકડવા, વડવીયાળા અને દ્રોણેશ્વર સહિત અલગ અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યા હતા. દરમિયાન આરોપીઓએ મારકૂટ કરી કેસમાંથી છોડાવવા માટે પહેલા રૂ.૧૦ લાખ અને પછી રૂ.૫ લાખની માંગણી કરી હતી.
ભયભીત થયેલા વિઠ્ઠલભાઈ પાસેથી તેમના ઘરેથી રૂ.૨૦ હજાર, મિત્ર વિપુલભાઈ પાસેથી રૂ.૧૫ હજાર તેમજ હરિપ્રિય સ્વામી મારફતે રૂ.૧.૭૦ લાખ મળી કુલ રૂ.૨.૦૫ લાખ બળજબરીથી પડાવી લેવાયા હતા. આરોપીઓએ હજુ વધુ રૂ.૩ લાખ નહીં આપે તો ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી ન્યૂઝપેપરમાં નામ આપવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે પોલીસ સ્ટેશનથી કે.એ. ચાવડાએ જણાવ્યું હતું કે, આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં બની હતી. ફરિયાદ મળતા જ ગુનો દાખલ કરી પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સોએ અગાઉ પણ અનેક લોકોને આવી રીતે હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યાની આશંકા છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ તેમજ સ્થાનિક સ્તરે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
વિઠ્ઠલભાઈએ ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ‘‘શિવાની પટેલ'' સહિત ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૨.૬)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
