<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક હિટ એન્ડ રન : ડમ્પર પાછળ કાર ઘૂસતા રાજકોટની મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર યદુવંશી હોટલ નજીક ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા સર્જાયો અકસ્માત, 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત, ચાલક ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૫ :  સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. ત્યારે આજે વધુ એક ગમખ્વાર અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઇવે પર ચોટીલા નજીક આવેલી યદુવંશી હોટલ પાસે સર્જાયો છે.

 

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટનો એક પરિવાર કારમાં અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન યદુવંશી હોટલ નજીક હાઇવે પર ડમ્પરે અચાનક બ્રેક લગાવતા પાછળ આવતી કાર કાબુ બહાર જઈ ધડાકાભેર ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી.

 

આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર રાજકોટની નેહાબેન નામની મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય 03 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

 

ઘટનાની જાણ થતા જ ચોટીલા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તાત્કાલિક મૃતદેહને પીએમ અર્થે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ત્રણેય ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું છે.

 

અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો છે. પોલીસે ડમ્પર કબજે કરી હાઇવે પરથી બંને વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કર્યો છે અને ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ગુનો દાખલ કરી ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:06 PM IST)