<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લા ગામે કાળજું કંપાવનારી હિટ એન્ડ રનની ઘટના : રસ્તો ઓળંગતા કંચનબેન નારણભાઈ ઘમસાણીયાને પૂરપાટ કારે અડફેટે લેતા ગંભીર ઈજા : ઘટના ના CCTV ફૂટેજ થયા સોશ્યલ મીડિયા માં વાયરલ : જુઓ વિડીયો

રસ્તો ક્રોસ કરવા અડધી મિનિટ રાહ જોઈ આગળ વધેલા મહિલા હવામાં ફંગોળાયા : પંચકોશી એ ડિવિઝન પોલીસે ગ્રામ પંચાયતના CCTV ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ: જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વાહનોની બેફામ ગતિના કારણે અકસ્માતોની વણથંભી વણઝાર ચાલુ છે, ત્યારે આ હાઈવે પર વહેલી સવારે વધુ એક હિટ એન્ડ રનનો ગમખ્વાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાઈવે પર આવેલા ફલ્લા ગામ પાસે એક અજાણ્યા અને બેકાબૂ કાર ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક નિર્દોષ મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કંચનબેન નારણભાઈ ઘમસાણીયા નામના મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલકે માનવતા નેવે મૂકીને પીડિતાને મદદ કરવાને બદલે પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી નાસી જવાનું મુનાસિબ સમજ્યું હતું.

 

 અડધી મિનિટ ઊભા રહ્યા બાદ રોડ ક્રોસ કરવા જતા જ કારે લીધા અડફેટે:

આ હૃદયદ્રાવક અકસ્માતની સમગ્ર ઘટના ફલ્લા ગ્રામ પંચાયત દ્વારા ગામની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વાયરલ થઈ રહેલા આ CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કંચનબેન હાઈવે પર ભારે ટ્રાફિક વચ્ચે રસ્તો ઓળંગવા માટે સુરક્ષિત તકની રાહ જોતા લગભગ અડધી મિનિટ સુધી ઊભા રહે છે. જેવો તેઓ રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક પૂરપાટ અને બેફામ ઝડપે આવતી એક અજાણી કાર તેમને જોરદાર અડફેટે લે છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે મહિલા હવામાં ફંગોળાઈને રોડ પર પટકાય છે.

 

 સ્થાનિકો દોડી આવ્યા, પંચકોશી એ ડિવિઝન પોલીસે તપાસ આદરી'

આ દર્દનાક અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને દુકાનદારો તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં પડેલા મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કંચનબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતની જાણ થતાં જ પંચકોશી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ગ્રામ પંચાયતના સીસીટીવી ફૂટેજના આધારે કારની નંબર પ્લેટની ઓળખ કરી ફરાર કાર ચાલકને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માર્ગ સુરક્ષાના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરીને અકસ્માત સર્જનાર ચાલક સામે તંત્ર કડક દાખલો બેસાડે તેવી ગ્રામજનો આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે.

(10:18 PM IST)