તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
જામનગરના 3 વર્ષથી ટેનિસ રમતા હિત કંડોરીયાનો સપનું સાકાર: SGFI અન્ડર-17 લૉન ટેનિસમાં રાજ્ય કક્ષાએ પ્રથમ, કલેક્ટર પી.બી.પંડ્યાએ કરી સન્માનિત : જુઓ વિડીયો
બીમાર હોવા છતાં ખેલ મહાકુંભ જીત્યો, AITA નેશનલ ચેમ્પિયન, 6 આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ITF જુનિયરમાં બે વખત સેમિફાઇનલ સુધી પહોંચી જામનગરનું નામ રોશન કર્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.30 : જામનગરના યુવા ટેનિસ સ્ટાર હિત ભીમશીભાઈ કંડોરીયાએ જામનગરનું ગૌરવ વધાર્યું છે. SGFI અંતર્ગત અમદાવાદ ખાતે યોજાયેલ અન્ડર-17 લૉન ટેનિસ સ્પર્ધામાં હિતે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.
હિત હાલ એસ.ડી. ગોરિયા સ્કૂલમાં અભ્યાસ કરે છે. નાની ઉંમરથી જ તેને ટેનિસ પ્રત્યે લગાવ હતો. માત્ર 3 વર્ષની ઉંમરથી જ જામનગર મહાનગરપાલિકાના ટેનિસ કોર્ટ ખાતે કોચ કેતન જોશી પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. હાલ તે પંજાબ-ચંડીગઢ ખાતે રહીને વધુ એડવાન્સ તાલીમ મેળવી રહ્યો છે.
હિતે રાજ્ય સરકારના ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનવાની સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે ખેલ મહાકુંભની સ્પર્ધા દરમિયાન બીમાર હોવા છતાં તેણે દૃઢ મનોબળ સાથે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. સરકાર દ્વારા તેને એક વર્ષ સુધી દર મહિને રૂ.4,000ની સહાય પણ આપવામાં આવી હતી.
હિતે માત્ર રાજ્ય જ નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ઝંડા લહેરાવ્યા છે. AITA દ્વારા આયોજિત નેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિજેતા બન્યો છે, ATF Asian Tournamentમાં સારું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીમાં 6 જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે અને ITF વર્લ્ડ જુનિયર અન્ડર-18 કેટેગરીમાં બે વખત સેમિફાઇનલ સુધી પહોંચ્યો છે.
આ સિદ્ધિ બદલ જામનગર જિલ્લા કલેક્ટરશ્રી પી.બી.પંડ્યા દ્વારા હિત કંડોરીયાનું સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તેની આ સિદ્ધિને જામનગર માટે ગૌરવપૂર્ણ ગણાવી ભવિષ્યમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જિલ્લા રમત વિકાસ અધિકારી બી.જે.રાવલિયા, શાળાના આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
