તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
જામનગરમાં પાવરચોરી કેસમાં ઐતિહાસિક ચુકાદો: આઈસ ફેક્ટરીના સંચાલકને રૂ. 1.72 કરોડનો દંડ
રૂ. 57.49 લાખની વીજચોરી સાબિત થતાં સ્પે. કોર્ટે ત્રણ ગણી રકમનો દંડ ફટકાર્યો, 30 દિવસમાં ન ભરે તો એક વર્ષની જેલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 14 : જામનગરની સ્પે. કોર્ટે વીજચોરીના કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. શહેરના બેડેશ્વર વિસ્તારની અલરઝા આઈસ ફેક્ટરીમાંથી ઝડપાયેલી રૂ. 57.49 લાખની પાવરચોરીના કેસમાં અદાલતે આરોપી સંચાલકને ત્રણ ગણો એટલે કે રૂ. 1,72,49,079નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ 30 દિવસમાં ભરપાઈ ન કરે તો એક વર્ષની જેલ સજાનો પણ હુકમ કરાયો છે.
પ્રાપ્ત વિગત મુજબ, તા. 28/11/2023ના રોજ વીજ ચેકિંગ અધિકારી એસ.આર. વડનગરા અને તેમની ટીમે પટેલ કોલોની સબ ડિવિઝન હેઠળના બેડેશ્વર વિસ્તારમાં આવેલી અલરઝા આઈસ ફેક્ટરીમાં હમીદ હુશેનભાઈ ગજણની હાજરીમાં વીજ કનેક્શન ચેક કર્યું હતું. તપાસ દરમિયાન ડાયરેક્ટ અને બિનઅધિકૃત રીતે વીજચોરી કરવામાં આવતી હોવાનું ખુલ્યું હતું. સ્થળ પર ચેકિંગ શીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ પટેલ કોલોની સબ ડિવિઝનના નાયબ ઈજનેર સંદીપ ધીરજલાલ પરમારે આરોપી હમીદ હુશેનભાઈ ગજણ વિરુદ્ધ જીયુવીએનએલ પોલીસ સ્ટેશનમાં રૂ. 57,49,693.25ની વીજચોરી અંગે ઈન્ડિયન ઈલેક્ટ્રિસિટી એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ સ્પે. કોર્ટમાં ચાલવા પર આવતા સરકાર તરફથી કુલ 8 સાક્ષીઓ અને 20 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સરકારી વકીલ રાજેશ કે. વસીયરે દલીલ કરી હતી કે આરોપીની હાજરીમાં જ વીજ ચેકિંગ થયું છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધી રહ્યા છે. આવા કેસો અટકે તે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ.
આ દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલે આરોપી હમીદ હુશેનભાઈ ગજણને પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો એટલે કે રૂ. 1,72,49,079નો દંડ ફટકાર્યો છે. જો આરોપી 30 દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો એક વર્ષની સજા ભોગવવાનો પણ હુકમ કર્યો છે.
આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર રોકાયા હતા.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
