News of Tuesday, 26th May 2026
જૂનાગઢ શહેરને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવતો રેલવે બોર્ડનો ઐતિહાસિક નિર્ણય : ગ્રોફેડ ખાતે નવા મીટર ગેજ સ્ટેશનના નિર્માણને લીલી ઝંડી, શહેર વચ્ચેનો રેલખંડ કાયમી બંધ થશે
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીની જાહેરાત : વસ્તીવાળા વિસ્તારના ૭ સમપાર ફાટકો દૂર થતાં અકસ્માતો ઘટશે, મહાનગરપાલિકા જોડાણ માટે ઈ-બસ સેવા શરૂ કરશે

(વિનું જોષી દ્વારા) જૂનાગઢ: જૂનાગઢ શહેરના નાગરિકોને લાંબા સમયથી સતાવી રહેલી ગંભીર ટ્રાફિક સમસ્યામાંથી કાયમી અને મોટી રાહત મળવાના સત્તાવાર સંકેતો સાંપડ્યા છે. રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા વિસાવદર–જૂનાગઢ મીટર ગેજ સેક્શનમાં ગ્રોફેડ વિસ્તાર ખાતે એક નવા જ મીટર ગેજ સ્ટેશનના નિર્માણને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવા પ્રોજેક્ટના કારણે જૂનાગઢના શહેરીજનોને દૈનિક ધોરણે નડતી વાહનવ્યવહારની અડચણોનો અંત આવશે.
આ રેલવે પ્રોજેક્ટની સૌથી મહત્વપૂર્ણ અને નોંધનીય બાબત એ છે કે ગ્રોફેડ સ્ટેશન કાર્યરત થયા બાદ, ગ્રોફેડ અને હાલના મુખ્ય જૂનાગઢ સ્ટેશન વચ્ચે આવેલો આશરે ૪.૨ કિલોમીટર લાંબો મીટર ગેજ રેલખંડ રેલવે તંત્ર દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. વર્તમાન સમયમાં આ રેલખંડ શહેરના અત્યંત ઘનવસ્તી ધરાવતા રહેણાંક વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના લીધે ટ્રેનની અવરજવર સમયે કુલ ૭ જેટલા સમપાર ફાટકો લાંબા સમય સુધી બંધ રાખવા પડે છે અને સમગ્ર શહેરમાં વાહનોની લાંબી કતારો સાથે ટ્રાફિક જામ સર્જાય છે. નવી વ્યવસ્થા પૂર્ણપણે અમલમાં આવ્યા બાદ શહેરની અંદરના આ તમામ ૭ સમપાર ફાટકો કાયમી ધોરણે દૂર થઈ જશે.
નવા પ્રોજેક્ટથી જૂનાગઢના નાગરિકોને થનારા મુખ્ય લાભો:
ટ્રાફિક જામમાંથી કાયમી રાહત: મીટર ગેજ લાઇન બંધ થતાં જ શહેરના ૭ ફાટકો ઇતિહાસ બની જશે. આ ફાટકો હટી જવાથી સામાન્ય નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ઓફિસ જતા કર્મચારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને વારંવાર અટવાઈ પડવું નહીં પડે.
અકસ્માતોમાં ઘટાડો અને કર્મચારીઓનો યોગ્ય ઉપયોગ: ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં આવેલા આ ફાટકો દૂર થવાને કારણે માર્ગ અને રેલવે સંબંધિત અકસ્માતોની શક્યતાઓ નહિવત્ થઈ જશે. સાથોસાથ ફાટકોના સંચાલન અને જાળવણીની કામગીરીમાં રોકાયેલા રેલવે કર્મચારીઓને અન્ય રેલવે સંચાલનમાં વધુ અસરકારક રીતે નિયુક્ત કરી શકાશે.
મનપા દ્વારા ઈ-બસ સેવાનો પ્રસ્તાવ: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મુસાફરોની સુવિધા અર્થે નવા બનનારા ગ્રોફેડ સ્ટેશન અને હાલના જૂનાગઢ રેલવે સ્ટેશન વચ્ચે ખાસ ઈ-બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી મીટર ગેજ લાઇનના મુસાફરોને બ્રોડ ગેજ ટ્રેનો પકડવામાં અને શહેરના અન્ય વિસ્તારોમાં જવા-આવવા માટે સરળ કનેક્ટિવિટી મળી રહેશે.
રેલવે યાર્ડનું વિસ્તરણ: હાલના જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજની કામગીરી સંપૂર્ણપણે બંધ થયા બાદ જે જમીન ખાલી અને ઉપલબ્ધ થશે, તેનો ઉપયોગ રેલવે પ્રશાસન દ્વારા બ્રોડ ગેજ યાર્ડના વ્યાપ અને મુસાફરો સંબંધિત અન્ય આધુનિક સુવિધાઓના વિસ્તરણ માટે કરવામાં આવશે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, રેલવે વિભાગની આ અનોખી પહેલ કામગીરીની વહીવટી જરૂરિયાત અને નાગરિકોની સુખાકારી — બંને વચ્ચે સંતુલન સ્થાપિત કરતું એક અત્યંત મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. આ પ્રોજેક્ટથી માત્ર જૂનાગઢ શહેરની આંતરિક ટ્રાફિક વ્યવસ્થા સજ્જડ નહીં બને, પરંતુ જૂનાગઢના એકંદર શહેરી વિકાસ અને આર્થિક ગતિવિધિઓને પણ એક નવી દિશા સાંપડશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
