News of Saturday, 28th November 2026
હીરલબાને ‘સુરજ પેલેસ' લેન્ડ ગ્રેબિંગ કેસમાં કોર્ટમાંથી જામીન
સુરજ પેલેસવાળી જગ્યાના મામલામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં જેલમાં રહેલા હીરલબા જાડેજાને રાહતઃ એડવોકેટ ભરતભાઇ લાખાણીની કાયદાકીય દલીલો બાદ જામીન મંજૂર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮: ‘‘સુરજ પેલેસ'' લેન્ડ ગ્રેબિંગ કેસમાં હીરલબા જાડેજાને કોર્ટમાંથી શરતી જામીન આપવામાં આવ્યાં છે.
‘‘સુરજ પેલેસ'' બંગલા અન્વયે ભુરાભાઈના પત્નિ ચૌલાબેન ભુરાભાઈ કડછા દ્વારા હીરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબીગ એકટ નીચે ગુન્હો દાખલ કરાવેલો હતો. અને તે અનુસંધાને હીરલબા જાડેજા જેલમાં રહેલ છે. અને જેલમાંથી તેઓએ એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જામીન અરજી કરતા અને તે અન્વયે મુળ ફરીયાદી દ્વારા પણ પોતાના એડવોકેટ રાખીને જામીન અરજી સામે વાંધા લીધેલા હતાં. અને ન છોડવા અન્વયે કોર્ટમાં રજુઆત કરેલી હતી.
હીરલબાના એડવોકેટ ભરતભાઈ લાખાણી એ જોરદાર દલીલ કરી જણાવેલ કે, આ ‘‘સુરજ પેલેસ'' વાળી જગ્યામાં હિરલબા વર્ષોથી વસવાટ કરે છે. અને આ મીલ્કત સંબંધે પોરબંદરની સીવીલ કોર્ટમાં ૨૦૧૬ થી દાવાઓ ચાલે છે. અને સામ સામે વિરોધ રહેલો છે. એટલુ જ નહી ગુજરાત સરકારના ગળહ વિભાગ દ્રારા પણ સ્પષ્ટ પરીપત્ર બહાર પાડેલો હોય કે, જયાં સીવીલ દાવાઓ ચાલતા હોય ત્યાં લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવો નહી.
આવો પરીપત્ર એપ્રિલ-૨૦૨૬ માં બહાર પાડેલો હોય આમછતાં કોઈપણ કારણોસર લેન્ડ ગ્રેબીંગ કમીટી દ્રારા આ સરકારના પરીપત્રની અવગણના કરીને હીરલબા સામે ગુન્હો દાખલ કરેલો હોય અને તે રીતે સરકારે બહાર પાડેલા પરીપત્રથી વિરૂધ્ધ ગુન્હો દાખલ કરેલો હોય ત્યારે આવી ખોટી ફરીયાદમાં હીરલબા ને જેલમાં રાખી શકાય નહીં. એટલુ જ નહીં ચાર્જશીટ ફાઈલ થઈ ગયેલુ હોય, તપાસ પુરી થઈ ગયેલી હોય અને તેથી જામીન મુકત કરવાની દલીલ કરતા પોરબંદરના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી બી. જે. પટેલ દ્વારા પોલીસ પેપર્સ, એડવોકેટની દલીલ તથા કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ હીરલબા ને શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.
આ કેસના કામમા હીરલબા જાડેજા વતી પોરબંદરનાં જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જીતેન સોનીગ્રા, જયેશ બારોટ, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી અને સહાયક તરીકે નિલેશ એમ. પરમાર રોકાયેલા હતાં.(૭.ર૬)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
