તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
ગાંધીધામમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ગૃહકલેશથી કંટાળી યુવક ઊંઘવા માટે મોબાઈલ ટાવરની ટોચે ચડી ગયો, બચાવવા ગયેલા સ્થાનિકને માર્યો લાફો!
ટાગોર રોડ પર નશાની હાલતમાં યુવક ટાવર પર સુઈ જતાં ભારે અફરાતફરી; કલાકોની સમજાવટ બાદ પોલીસ અને લોકોએ હેમખેમ નીચે ઉતાર્યો

ગાંધીધામ : ગાંધીધામ શહેરના ટાગોર રોડ પર આવેલી લીલા હોસ્પિટલ સામે સપનાનગર તરફ જવાના માર્ગ પર એક ચોંકાવનારી અને વિચિત્ર ઘટના સામે આવી છે. કૌટુંબિક ઝઘડા અને રોજના ગૃહકલેશથી કંટાળેલો એક યુવક નશાની હાલતમાં ખાનગી કંપનીના ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. ટાવરની ટોચ પર પહોંચીને યુવકે શાંતિથી ઊંઘવાનું શરૂ કરતાં જ સમગ્ર વિસ્તારમાં કલાકો સુધી ભારે અફરાતફરી અને કૌતુકનો માહોલ સર્જાયો હતો.
ટાવરની ટોચ પર આરામ અને સ્થાનિક યુવકને લાફો
ટાવરની છેક ટોચ પર એક યુવકને આરામથી સુતેલો જોઈને રસ્તા પરથી પસાર થતાં લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા અને જોતજોતામાં ત્યાં વિશાળ ટોળું એકઠું થઈ ગયું હતું. આ દરમિયાન સ્થિતિની ગંભીરતા જોઈ એક હિંમતવાન સ્થાનિક યુવકે તેને બચાવવાના આશયથી જીવના જોખમે ટાવર પર ચડીને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, નશામાં ધૂત અને ઉશ્કેરાયેલા યુવકે મદદ કરવા આવેલા આ સ્થાનિકને હવામાં જ એક સટાક કરતો લાફો ચોડી દીધો હતો.
કલાકોની મથામણ બાદ હેમખેમ રેસ્ક્યૂ, તંત્રે રાહતનો શ્વાસ લીધો
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા ભારે સમજાવટ અને મથામણ બાદ આખરે યુવકને સુરક્ષિત રીતે ટાવર પરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી. યુવક સહીસલામત નીચે આવતાં જ સ્થળ પર હાજર નાગરિકો અને પોલીસ તંત્રે 'હાશકારો' અનુભવ્યો હતો.
"ઘરમાં શાંતિ નહોતી એટલે ટાવર પર ઊંઘવા ગયો!"
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવકે આશ્ચર્યજનક ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઘરમાં સતત ચાલતા કંટાળાજનક કૌટુંબિક ઝઘડા અને ગૃહકલેશથી તે માનસિક રીતે થાકી ગયો હતો, જેથી માત્ર શાંતિથી ઊંઘવાના આશયથી જ તે આટલા ઊંચા ટાવર પર ચડી ગયો હતો. પોલીસે યુવકની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
