<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની : આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો: મેળાનું મેદાન પાણીમાં ગરકાવ

છેલ્લા ત્રણ દિવસમાં પડેલા 15 ઈંચ વરસાદથી જળબંબાકાર :ઉપરવાસમાંથી આવેલા પાણીના પ્રવાહને લીધે વિસ્તાર બેટમાં ફેરવાયો

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માધવપુર ઘેડ વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ 15 ઈંચ જેટલો તોફાની વરસાદ વરસતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

માત્ર સ્થાનિક વરસાદ જ નહીં, પરંતુ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીનો મોટો પ્રવાહ પોરબંદરના ઘેડ વિસ્તારમાં આવતા સ્થિતિ વધુ ગંભીર બની છે. આ જળસંકટને કારણે સુપ્રસિદ્ધ માધવપુર મેળાનું ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેતરો પણ પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસવા માટે સૂચના આપવામાં આવી છે. પાણીના સતત વધતા જળસ્તરને જોતા આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(8:59 PM IST)