તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ભારે વરસાદી સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, ડીએફઓ ડૉ. સુનીલકુમાર બેરવાલ અને એઆરસી એસ. જે. ખાચરની ઉપસ્થિતિમાં તમામ વિભાગોને ૨૪x૭ સતર્ક રહી કામગીરી કરવા સૂચના

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: મોરબી જિલ્લામાં તાજેતરમાં પડી રહેલા ભારે વરસાદને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની સ્થિતિ તેમજ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવનાર રાહત અને બચાવની કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
વિવિધ વિભાગોની કામગીરી અને માળખાકીય સુવિધાઓની સમીક્ષા:
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે વીજ પુરવઠાની સ્થિતિ, નુકસાન પામેલા વીજ થાંભલાઓ અને વીજલાઈનોની મરામત, વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી, રોડ-રસ્તાઓની સ્થિતિ, પુલ અને કોઝવે પર પાણી ભરાવાની પરિસ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં જરૂરી તકેદારી તેમજ જનજીવન પર વરસાદની અસર અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત માહિતી મેળવી હતી.
આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા કલેક્ટરનો આદેશ:
જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોને સતત સતર્ક રહી ૨૪x૭ ના ધોરણે કામગીરી કરવા, કંટ્રોલ રૂમને રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રાખવા અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા કડક સૂચના આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ બચાવ અને રાહત કામગીરી, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, વીજ પુરવઠાની પુનઃસ્થાપના તેમજ માર્ગ વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત થાય તે માટે સંકલિત કામગીરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત, વન વિભાગ, પીજીવીસીએલ, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, આરોગ્ય વિભાગ, ફાયર અને ઈમરજન્સી સર્વિસ તેમજ સિંચાઈ વિભાગ સહિતના તમામ સરકારી તંત્રોને પરસ્પર સંકલન સાથે કામગીરી કરવા જણાવાયું હતું.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક ડૉ. સુનીલકુમાર બેરવાલ, અધિક નિવાસી કલેક્ટર એસ. જે. ખાચર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
