તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર એક ઈંચથી વધુ વરસાદ : વિજળીના ચમકારા સાથે ઠેરઠેર પાણી ભરાયા : ખત્રીવાડમાં મકાન ધરાશાયી
વહેલી સવારથી અવિરત ઝરમર અને ક્યારેક ધીંગો વરસાદ; ઉકળાટથી ત્રસ્ત શહેરીજનોને મળી રાહત : વાતાવરણ ઠંડુગાર

(રહીમ વસાયા દ્વારા)મહુવા તા.૨૩ : મહુવા પંથકમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.વિજળીના જોરદાર ચમકારા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા.
આજે વહેલી સવારે શરૂ થયેલો વરસાદ હજુ પણ અટક્યો નથી. બપોરના પોણા અગિયાર વાગ્યા સુધી પણ ઝરમર ઝરમર વરસાદ સતત ચાલુ છે, તો વચ્ચે વચ્ચે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે. અંદાજિત એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હોવાનું માનવામાં આવે છે
સતત વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી ચાલતા અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી શહેરીજનોને આ વરસાદને કારણે મોટી રાહત મળી છે. વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
વરસાદને કારણે એક અપ્રિય ઘટના પણ સામે આવી છે. ખત્રીવાડ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક પ્રમાણમાં પડ્યો હોવાના વાવડ મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
