News of Monday, 6th July 2026
ધોરાજી જમનાવડ રોડ હાઉસિંગ બોર્ડમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ઘુસ્યા
પાલિકાની બેદરકારીનો સ્થાનિકોનો આક્ષેપઃ ગોઠણડૂબ પાણી ભરાતા જનજીવન પ્રભાવિતઃ અનાજ, કરિયાણા અને ઘરવખરીને નુકસાન

ધોરાજી, તા.૬: શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ વોર્ડ નં. ૭ સ્થિત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વિસ્તારમાં ગોઠણ સમા વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી, અનાજ, કરિયાણા સહિત જીવનજરૂરિયાતની વસ્તુઓને નુકસાન પહોંચ્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાયા બાદ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે ભારે વરસાદ પડતાં જ વરસાદી પાણીનો નિકાલ ન થતા સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને પાણી સીધું ઘરોમાં પ્રવેશી જાય છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ વોર્ડ નં. ૭માં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નવી નથી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા યથાવત રહી છે. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળતા મળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પાલિકાની બેદરકારી અને આયોજનના અભાવે સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું પણ રહેવાસીઓએ જણાવ્યું હતું.
સમગ્ર મામલે સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને નગરપાલિકા તંત્રનું ધ્યાન દોરવાનો ઙ્કયાસ કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં હાઉસિંગ બોર્ડ સોસાયટીના રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાયેલા તેમજ રહેણાંક મકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
સ્થાનિકોએ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા અને વોર્ડ નં. ૭ની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માંગણી કરી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને પગલે વિસ્તારમાં રહેવાસીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોએ જણાવેલ કે ભૂગર્ભ ગટરની કામગીરી બાદ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાઈ. થોડા જ વરસાદમાં હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાઈ જાય છે.
આ વિસ્તારના લોકો ની અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તેમજ કાયમી ડ્રેનેજ સિસ્ટમ વિકસાવવા નગરપાલિકા તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરી હતી.(તસવીર- કિશોર રાઠોડ)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
