તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th July 2026
ઉનામાં કાળજું કંપાવતી ઘટના: અનૈતિક સંબંધની આંધળી શંકામાં પતિ બન્યો કસાઈ, પત્નીનું પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક ઢીમ ઢાળ્યું!
બપોરે જમવા આવેલા પતિ સાથે ઉગ્ર બોલાચાલી બાદ ખેલાયો લોહીયાળ ખેલ; દીકરાએ જ સગા પિતા વિરુદ્ધ નોંધાવી માતાની હત્યાની ફરિયાદ

ઉના : ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ પવિત્ર ગણાતા લગ્નજીવનના સંબંધોને લજવીને પોતાની જ પત્નીની પથ્થરના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી છે. ચાર દીવાલો વચ્ચે વહેમના કારણે ખેલાયેલા આ લોહીયાળ ખેલને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.
મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઉના શહેરના માણેકવાડા ચોક વિસ્તારમાં રહેતા ૫૦ વર્ષીય ખલીલ દાઉદભાઈ કાદીયાત બપોરના સમયે રોજબરોજની જેમ કામ પરથી ઘરે જમવા માટે આવ્યા હતા. આ દરમિયાન કોઈ વાતને લઈને તેમની પત્ની સમીમબેન સાથે ઘરકંકાસ શરૂ થયો હતો. જોતજોતામાં આ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે ગુસ્સાથી અંધ બનેલા ખલીલે ઘરમાં પડેલો એક મોટો પથ્થર ઉઠાવીને સમીમબેનના માથાના ભાગે એકપછી એક અનેક જીવલેણ ઘા મારી દીધા હતા. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે સમીમબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અવારનવાર થતા ઝઘડાનો આવ્યો કરુણ અંત
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પતિ ખલીલને તેની પત્ની સમીમબેનના કોઈ અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધો હોવાની આંધળી શંકા હતી. આ વહેમના કીડાને કારણે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી અવારનવાર ઉગ્ર ઝઘડા થતા રહેતા હતા. શુક્રવારે બપોરે પણ આ જ શંકાએ રાક્ષસી સ્વરૂપ ધારણ કર્યું હતું. પત્નીની હત્યા કર્યા બાદ નરાધમ પતિ લોહીથી ખરડાયેલી લાશને મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના પાડોશીઓએ દોડી આવીને સમીમબેનને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
દીકરાએ જ પિતાને જેલના સળિયા પાછળ ધકેલ્યો
આ કરુણ ઘટનાથી હસતું-રમતું પરિવાર વેરવિખેર થઈ ગયું છે. મૃતક સમીમબેનને બે પરિણીત દીકરીઓ અને એક પુત્ર છે. તેમનો પુત્ર વાહિદ બેંકમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો. એક તરફ સગી જનેતાની છત્રછાયા ગુમાવવાનો આઘાત અને બીજી તરફ પિતા જ હત્યારો હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે, પુત્ર વાહિદે હિંમત દાખવીને પોતાના જ સગા પિતા ખલીલ કાદીયાત વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની જાણ થતાં જ ઉના પોલીસ કાફલો એક્શનમાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા આરોપી પતિને દબોચી લીધો હતો. મામલાની ગંભીરતાને જોતા વેરાવળથી ડીવાયએસપી (DySP) પણ ખાસ ઉના દોડી આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
