તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 18th April 2026
અમરેલીમાં કાળજું કંપાવતી દુર્ઘટના: ચાલુ બસે સ્ટેયરિંગનો રોડ તૂટ્યો અને વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાબકી રોડ નીચે, બાળકોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ
ધારીની ગોપાલગ્રામ હાઈસ્કૂલની બસનો ભયાનક અકસ્માત: 8 થી વધુ માસૂમ બાળકો લોહીલુહાણ, ચલાલા હોસ્પિટલમાં દોડધામ, નસીબ જોરે મોટી જાનહાનિ ટળી

અમરેલી: અમરેલી જિલ્લાના ધારી પંથકમાં આજે સવારે એક મોટી હોનારત સર્જાતા રહી ગઈ છે. વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી એક સ્કૂલ બસનું ચાલુ મુસાફરીએ સ્ટેયરિંગ ફેઈલ થઈ જતાં બસ બેકાબૂ બનીને રોડ નીચે ઉતરી ગઈ હતી. આ અકસ્માતને પગલે બસમાં સવાર બાળકોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. અકસ્માતમાં 8થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
સ્ટેયરિંગનો રોડ તૂટતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો
મળતી વિગતો અનુસાર, ધારીની ગોપાલગ્રામ OPZ હાઈસ્કૂલની બસ દરરોજની જેમ વિદ્યાર્થીઓને લઈને ચલાલાથી ગોપાલગ્રામ તરફ જઈ રહી હતી. સવારના સમયે જ્યારે બસ રસ્તા પર હતી, ત્યારે અચાનક બસના સ્ટેયરિંગનો રોડ તૂટી ગયો હતો. સ્ટેયરિંગે કામ કરવાનું બંધ કરી દેતા ચાલક ગમે તેટલી કોશિશ કરે તો પણ બસ કાબૂમાં રહી નહોતી અને જોતજોતામાં માર્ગની નીચે ઉતરી ગઈ હતી.
લોહીલુહાણ હાલતમાં બાળકોને હોસ્પિટલ ખસેડાયા
બસ નીચે ઉતરતા જ જોરદાર આંચકો લાગવાને કારણે અંદર બેઠેલા 8થી વધુ વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તમામ ઈજાગ્રસ્ત બાળકોને ચલાલાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક ધારાસભ્ય પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકોના ખબર-અંતર પૂછ્યા હતા.
સ્કૂલ બસોની ફિટનેસ સામે સવાલો
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ સ્કૂલ બસોની સુરક્ષા અને મેઈન્ટેનન્સ સામે મોટા સવાલો ઉભા કર્યા છે. શું બસનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું હતું? કેમ સ્ટેયરિંગ જેવો મહત્વનો ભાગ ચાલુ બસે તૂટી ગયો? આ સવાલો અત્યારે વાલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(6:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
