News of Friday, 30th October 2026
જામનગરમાં નોનવેજ રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ ૭ જેટલા લોકોની તબિયત લથડી, ફૂડ પોઈઝનિંગની આશંકા
ચિકન શાવરમા અને ફ્રાઈડ રાઈસ ખાધા બાદ લોકોની તબિયત બગડીઃ ફૂડ વિભાગે રેસ્ટોરન્ટ સીલ કરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૦: જામનગર શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં નોનવેજ ભોજન આરોગ્યા બાદ આશરે ૭ જેટલા લોકોની તબિયત લથડી હોવાની ઘટના બની છે. ચિકન શાવરમા અને ફ્રાઈડ રાઈસ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચ હાટડી વિસ્તારમાં આવેલી એસ.કે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોને તબિયતની તકલીફ ભી થતાં તેમને શહેરની અલગ-અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે આરોગ્ય તંત્ર અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફૂડ વિભાગ દ્વારા રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સામગ્રીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને હાઇજેનિક શરતોનું યોગ્ય પાલન ન થતું હોવાનું સામે આવતાં તંત્ર દ્વારા રેસ્ટોરન્ટનો વેચાણ વ્યવહાર બંધ કરાવી દુકાનને સીલ કરવામાં આવી હતી.
આ મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાદ્ય સામગ્રીના નમૂનાઓની તપાસ અને વિભાગીય કાર્યવાહી બાદ ઘટનાની વધુ વિગતો સામે આવી શકે છે.
આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસ્ટોરન્ટમાં ભોજન લીધા બાદ એકસાથે અનેક લોકોની તબિયત લથડતાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોના પાલન અંગે સવાલો ભા થયા છે.
ફૂડ વિભાગની કાર્યવાહી બાદ હવે ખાદ્ય સામગ્રીના નમૂનાઓના પરિણામ અને તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
