<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ધોરાજીના સુપેડી ગામના મુરલી મનોહર મંદિર વિવાદનો સુખદ અંત:ગ્રામજનોની માગ સામે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ ઝૂક્યું

રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડી.સી. પટેલે મંદિર છોડ્યું: આંદોલન સમેટી ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચ્યો

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામે લાંબા સમયથી ચાલી રહેલા મુરલી મનોહર મંદિરના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે. ગ્રામજનોની મક્કમતા અને ઉગ્ર આંદોલનને પગલે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટે નમતું જોખવું પડ્યું છે. આ વિવાદ એટલો વકર્યો હતો કે ગ્રામજનોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી, પરંતુ હવે સમાધાન થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

વિવાદના કેન્દ્રમાં રહેલા રવિદાસ બાપુ, બાલકદાસ બાપુ અને ડી.સી. પટેલે આખરે મંદિર છોડવાની તૈયારી દર્શાવી છે. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની હાજરીમાં મળેલી બેઠકમાં આ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો હતો. ગ્રામજનોની માગ હતી કે મંદિરનું સંચાલન યોગ્ય રીતે થાય અને વિવાદિત વ્યક્તિઓ દૂર રહે. આ માગણી સ્વીકારાતા જ ગ્રામજનોએ પોતાનું આંદોલન સમેટવાની જાહેરાત કરી છે.

 

 

આ સમગ્ર મામલે ગ્રામજનોએ એકતા બતાવીને જે લડત આપી હતી, તેને સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મંદિરના વહીવટ અને કબજાને લઈને છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો અને ટ્રસ્ટ વચ્ચે ટકરાવ ચાલી રહ્યો હતો, જેના કારણે ગામમાં તણાવપૂર્ણ સ્થિતિ હતી. હવે આ વિવાદ શમતા સુપેડી ગામે ફરી એકવાર ધાર્મિક સૌહાર્દ સ્થાપિત થયું છે

 

(11:45 PM IST)