<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ભુજના હૃદયસમા હમીરસર તળાવ અને દાદા દાદી પાર્કમાં ‘સેવા મારું યોગદાન’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ

સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાનીમાં વિવિધ સંસ્થાઓના કાર્યકરોનું શ્રમદાન; ‘સ્વચ્છતા સતત ચાલતી સામૂહિક જવાબદારી’નો સંદેશ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩ :  ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ‘સેવા મારું યોગદાન’ અભિયાનના ભાગરૂપે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવ અને દાદા-દાદી પાર્ક ખાતે વિશાળ સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાની આગેવાની હેઠળ વિવિધ સામાજિક, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરોએ શ્રમદાન કર્યું હતું. કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ઝુંબેશ દરમિયાન હમીરસર તળાવના કિનારા, દાદા-દાદી પાર્ક તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલા ગણેશોત્સવ બાદ વિસર્જન સ્થળેથી ગણેશજીની મૂર્તિઓ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરાંત, ‘પ્લાસ્ટિક મુક્ત ભારત’ના સંદેશને આગળ ધપાવવા નોન-પ્લાસ્ટિક થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ વધારવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર્સ ઓફ કોમર્સ-ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઉર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની સંસ્થાઓના સભ્યો જોડાયા હતા.

સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી એ સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે જણાવ્યું કે, “સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે.” વિવિધ સંસ્થાઓના કાર્યકરો અને સ્વયંસેવકોની સહભાગિતાથી કાર્યક્રમમાં સેવાભાવ તથા સામૂહિક જવાબદારીની ભાવના જોવા મળી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ સહિત મિતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, અશોકભાઈ હાથી, મનુભા જાડેજા, જયંતભાઈ ઠક્કર, પ્રકાશભાઈ મહેશ્વરી, નરેશભાઈ મહેશ્વરી, મોહનભાઈ ચાવડા, મયુરસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, સંદીપભાઈ શાહ, આશિકાબેન ભટ્ટ, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, હસમિતાબેન ગોર, વિરમભાઈ આહીર, હિતેશભાઈ ગોસ્વામી, માનશીબેન સંઘવી, પ્રફુલસિંહ જાડેજા સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(9:30 AM IST)