News of Thursday, 23rd July 2026
પોરબંદરમા પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા.૨૭ અને ૨૮ જુલાઈએ રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા ઉપસ્થિત રહેશેઃ ૩૪ શિક્ષકો સહિત ૫ મહાનુભાવોનું થશે ભાવપૂજનઃ ૨૯ મીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાશે : લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પદ્મશ્રીરતિલાલ બોરીસાગર (સાવરકુંડલા, અમરેલી) હાસ્ય અને કરુણાના સર્જકઃ શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ ડો. વિજય સેવક (સુરત) - થિયેટર ઈન એજ્યુકેશનના પ્રણેતાઃ ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ મુનિ સેવા આશ્રમ, ગોરજ (વડોદરા)ને અપાશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩: પરમ ભાગવત કથાકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિતક પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સંચાલિત સાંદીપનિ વિદ્યાનિકેતન પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આ વર્ષે પણ ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ ભવ્ય રીતે ઉજવાશે.
આ સમારોહમાં ઉચ્ચ શિક્ષણ અને ટેક્રિકલ શિક્ષણ વિભાગના રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા વર્ષ ૨૦૧૦થી દર વર્ષે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનારા સારસ્વતોનું સન્માન કરવામાં આવે છે.
આ વર્ષે કાર્યક્રમ તા. ૨૭-૦૭-૨૦૨૬ને સોમવાર અને તા. ૨૮-૦૭-૨૦૨૬ને મંગળવાર એમ બે દિવસ ચાલશે. ત્યારબાદ તા. ૨૯-૦૭-૨૦૨૬ બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે.
તા.૨૭-૦૭-૨૦૨૬ના સવારે ૯:૩૦ થી ૧ દરમિયાન ગુરુ ગૌરવ એવોર્ડ માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંવાદ રજૂ કરવામાં આવશે.
બપોર પછી ૩:૩૦ થી ૬:૩૦ દરમિયાન પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં મુખ્ય ત્રણ એવોર્ડી અને વિશિષ્ટ સન્માનિત મહાનુભાવો પોતાના શૈક્ષણિક અનુભવો શેર કરશે. આ સત્રમાં મુખ્ય વક્તા તરીકે ત્ત્પ્ અમદાવાદના નિવૃત્ત પ્રાધ્યાપક અનિલભાઈ ગુપ્તા વિશેષ વ્યાખ્યાન આપશે.
તા. ૨૮-૦૭-૨૦૨૬ ના ૧૫મો ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સવારે ૧૦ થી ૧૨:૩૦ દરમિયાન મુખ્ય સમારોહ યોજાશે. જેમાં પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સન્માન કરવામાં આવશે.
આ વર્ષના મુખ્ય એવોર્ડીમા લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ પદ્મશ્રી રતિલાલ બોરીસાગર (સાવરકુંડલા, અમરેલી) - હાસ્ય અને કરુણાના સર્જક,શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ ડો. વિજય સેવક (સુરત) - થિયેટર ઈન એજ્યુકેશનના પ્રણેતા, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ મુનિ સેવા આશ્રમ, ગોરજ (વડોદરા)ને અપાશે.
વિશિષ્ટ સન્માન શાસ્ત્રીશ્રી ડો. કૃષ્ણપ્રસાદ નિરૌલાજી (નડિયાદ) - સંસ્કૃત ભાષાના ક્ષેત્રે ઉત્તમ કાર્ય બદલ,ડો. સી. ટી. ટુંડીયા- પ્રાચાર્ય, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન બદલ
આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાંથી ૧ એમ કુલ ૩૪ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકોનું પણ ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવશે. આ શિક્ષકોએ ગામ-સમુદાય સાથે રહીને શિક્ષણમાં નૂતન પ્રયોગો કર્યા છે.
તા. ૨૯-૦૭-૨૦૨૬ ને બુધવારે શ્રીહરિમંદિરમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. જેમાં શિખરો પર નૂતન ધ્વજારોહણ, પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વ્યાસપૂજન, ગુરુપંચકમનો પાઠ અને ગુરુપૂર્ણિમાનો વિશેષ સંદેશ આપવામાં આવશે. દેશ-વિદેશથી પધારેલા ભાવિકો દ્વારા સદગુરુ પૂજન કરવામાં આવશે.
બંને દિવસના કાર્યક્રમનો લાભ લેવા સૌ ભાવિકોને નિમંત્રણ છે. કાર્યક્રમનું sandipani.tv યુટ્યુબ ચેનલ પર જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
