<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

અમરેલીના શેડુભાર ગામે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો બાયો-CNG પ્લાન્ટ બનશે

એનર્જીની આ પહેલથી વતનના ખેડૂતોને નવી આવક અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળવાની આશા જાગી

અમરેલીના શેડુભાર ગામે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો બાયો-CNG પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે. ગ્રીન એનર્જીની આ પહેલથી વતનના ખેડૂતોને નવી આવક અને સ્થાનિક યુવાનોને રોજગારીની તકો મળવાની આશા જાગી છે. ખેતી માત્ર પરંપરા જ નહીં, પરંતુ નવી આવકનું માધ્યમ પણ બની શકે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ પ્રોજેક્ટ બની રહ્યો છે.

અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે એક મોટી પહેલ થવા જઈ રહી છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામે 75 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બાયો-CNG પ્લાન્ટનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર અને ભારતનો આ બીજો એવો પ્લાન્ટ હશે, જેમાં નેપિયર ઘાસ સહિતના કૃષિ અવશેષોમાંથી બાયો-CNG બનાવવામાં આવશે. આ પ્લાન્ટને આગામી આઠ મહિનામાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મૂળ શેડુભાર ગામના અને હાલ અમદાવાદમાં કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા જતીન મનસુખભાઈ ગજેરા દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્લાન્ટમાં ઘઉં-ચણાનું પરાળ, કપાસ-એરંડાના સાઠી, તુવેર અને નેપિયર ઘાસ જેવા કૃષિ અવશેષોમાંથી ગેસનું ઉત્પાદન થશે. આસપાસના વિસ્તારમાં 1000 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર શરૂ કરાયું છે, જે એકવાર વાવ્યા બાદ 8 થી 9 વર્ષ સુધી સતત ઉત્પાદન આપે છે. ખાસ વાત એ છે કે, આ પ્લાન્ટમાં ફિનલેન્ડથી લાવવામાં આવેલી અત્યાધુનિક ડ્રાય ડાયજેસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાન્ટમાંથી નીકળતા ઘન અવશેષમાંથી ઓર્ગેનિક ખાતર તૈયાર કરીને ખેડૂતોને રાહત દરે આપવાની પણ યોજના છે.

પ્લાન્ટ મેનેજર વિઠ્ઠલ ગજેરાના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટથી શેડુભાર અને આસપાસનાં ગામોના અંદાજે 200થી 250 જેટલા સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહેશે. અહીં તૈયાર થનારા બાયો-CNG ગેસનું સીધું વિતરણ સરકારને કરવામાં આવશે. નેપિયર ઘાસની ખેતીમાં ખેડાણ, નીંદણ અને દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત ઓછી રહેતી હોવાથી તે ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને પગલે સ્થાનિક ખેડૂતો પણ ઉત્સાહિત છે. શેડુભારના ખેડૂત મહેન્દ્રભાઈ વૈષ્ણવે પોતાની 20 વીઘા જમીનમાં જ્યારે ચેતનભાઈ ગજેરાએ 10 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર કર્યું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વાવેતર માટે વીઘે 1500 થી 2000 રૂપિયાનો સામાન્ય ખર્ચ થાય છે અને પ્લાન્ટ દ્વારા ખેતરેથી જ ઘાસની કાપણી કરીને લઈ જવાની વ્યવસ્થા થવાથી ખેડૂતોને પાક વેચાણનો એક નવો અને આસાન વિકલ્પ મળ્યો છે

(12:40 AM IST)