<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

કોડીનારના વેલણ ગામ નજીક ગુજરાતની પ્રથમ સરકારી મરીન કોલેજ આકાર લેશે

ગીર સોમનાથના વિકાસને મળશે નવી દિશાઃ ૬૦ એકર જમીન ફાળવવાની દરખાસ્‍ત, વર્ષ ૨૦૨૭-૨૮થી સર્ટિફિકેટ કોર્સ શરૂ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨:  તાલુકા માટે શિક્ષણ અને વિકાસની દૃષ્ટિએ મહત્‍વપૂર્ણ સમાચાર સામે આવ્‍યા છે. ગુજરાતની પ્રથમ સરકારી મરીન કોલેજ હવે વેલણ ગામ નજીક સાકાર થવા જઈ રહી છે. રાજ્‍યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ  પ્રોજેક્‍ટને લઈને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી,  મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વેલણ ગામ નજીક આવેલી સરકારી જમીનની સ્‍થળ મુલાકાત લીધી હતી. આ દરમિયાન મરીન કોલેજના નિર્માણ માટે જમીનની યોગ્‍યતા, ઉપલબ્‍ધતા અને સ્‍થળની ચકાસણી અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.

શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની આ જાહેરાતથી કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને વિકાસની નવી આશા જાગી છે. ગત વર્ષના બજેટમાં શિક્ષણ વિભાગ દ્વારા કોડીનાર ખાતે મરીન કોલેજ સ્‍થાપવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. આ પ્રોજેક્‍ટને આગળ ધપાવવા માટે ચાલુ વર્ષના બજેટમાં ટોકન જોગવાઈને મંજૂરી મળી ચૂકી છે અને તેના આધારે પ્રોજેક્‍ટનો ડીટેઈલ પ્‍લાન પણ તૈયાર કરવામાં આવ્‍યો છે.મંત્રી ના જણાવ્‍યા અનુસાર, ગુજરાતની સર્વપ્રથમ સરકારી મરીન કોલેજ શરૂ કરવા માટે ભારત સરકારના મિનિસ્‍ટ્રી ઓફ પોર્ટ્‍સ, શિપિંગ એન્‍ડ વોટરબેઝ હેઠળ કાર્યરત ડિરેક્‍ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્‍ટ્રેશનની જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. આ મંજૂરી મળ્‍યા બાદ વર્ષ ૨૦૨૭-૨૮થી કોડીનારમાં અસ્‍થાયી સ્‍થળે મરીન ક્ષેત્રને લગતા વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનું આયોજન છે.

આ પ્રોજેક્‍ટ બે તબક્કામાં સાકાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં અસ્‍થાયી સ્‍થળે મરીન ક્ષેત્રના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવશે, જ્‍યારે બીજા તબક્કામાં કાયમી મરીન એન્‍જિનિયરિંગ કોલેજ અને મરીન ક્ષેત્રને લગતી અન્‍ય સુવિધાઓ વિકસાવવામાં આવશે.કાયમી મરીન એન્‍જિનિયરિંગ કોલેજના નિર્માણ માટે આશરે ૬૦ એકર જમીન ફાળવવાની દરખાસ્‍ત મૂકવામાં આવી છે. આ સંદર્ભે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, કોડીનાર મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ વેલણથી કોટડા તરફ જતા માર્ગ પર આવેલી સરકારી જમીનની સ્‍થળ મુલાકાત કરી હતી. આ વિસ્‍તારમાં માધ્‍યમિક શાળાનું પણ નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. સ્‍થળની મુલાકાત દરમિયાન જમીનની ઉપલબ્‍ધતા અને પ્રોજેક્‍ટ માટેની યોગ્‍યતા અંગે પ્રાથમિક તપાસ તથા ચકાસણી કરવામાં આવી હતી.તમામ જરૂરી મંજૂરીઓ અને પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ આધુનિક શૈક્ષણિક સુવિધાઓથી સજ્જ વિશાળ મરીન કોલેજ કેમ્‍પસનું નિર્માણ કરવામાં આવશે. અંદાજે ચાર વર્ષના ગાળામાં આ કેમ્‍પસ તૈયાર કરવાનું આયોજન છે.

કોડીનારની ભૌગોલિક સ્‍થિતિ અને સૌરાષ્‍ટ્રના વિશાળ દરિયાકિનારાને ધ્‍યાનમાં રાખીને આ પ્રોજેક્‍ટનું વિશેષ મહત્ત્વ છે. મરીન કોલેજ શરૂ થવાથી સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠાના વિસ્‍તારોના યુવાનોને મરીન ક્ષેત્રને લગતા વિવિધ અભ્‍યાસક્રમોનો લાભ મળી શકશે. દરિયાઈ ક્ષેત્રમાં ઉચ્‍ચ અભ્‍યાસ અને કારકિર્દી બનાવવા ઇચ્‍છતા વિદ્યાર્થીઓ માટે સ્‍થાનિક સ્‍તરે નવી તકો ઊભી થશે. સાથે જ શિક્ષણ, રોજગારી, વ્‍યવસાય અને આર્થિક વિકાસને પણ વેગ મળવાની સંભાવના છે.વેલણ ગામ નજીક સરકારી જમીનની સ્‍થળ મુલાકાત અને પ્રાથમિક ચકાસણી સાથે કોડીનારમાં ગુજરાતની પ્રથમ સરકારી મરીન કોલેજ સ્‍થાપવાની દિશામાં આગળ વધેલી આ પહેલ ગીર સોમનાથ જિલ્લાના શૈક્ષણિક વિકાસ માટે મહત્‍વપૂર્ણ સાબિત થઈ શકે છે.

(10:46 AM IST)