News of Thursday, 5th November 2026
ગોંડલના માર્કેટિંગ યાર્ડની મુલાકાતે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ : જુઓ વિડીયો
પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ યાર્ડની આધુનિક ઓનલાઈન સિસ્ટમથી પ્રભાવિત : પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિત આગેવાનો દ્વારા ભવ્ય સન્માન

ગોંડલ, તા.૫ : સૌરાષ્ટ્રના ખેડૂતોનું હૃદય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે એક ખાસ અવસર ઉજવાયો હતો. ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલે યાર્ડની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીના આગમનથી યાર્ડ પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ યાર્ડની વિવિધ વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ તેમજ ખેડૂતો અને વેપારીઓની સુવિધા માટે અમલમાં મૂકવામાં આવેલી આધુનિક ઓનલાઈન સિસ્ટમનું નિરીક્ષણ કરી તેની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ખેડૂતોને પારદર્શક રીતે, ઝડપથી અને સરળતાથી સેવા મળે તે માટે યાર્ડ દ્વારા કરવામાં આવેલા આધુનિકીકરણના પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મંત્રી ઈશ્વરભાઈ પટેલનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરી હૃદયપૂર્વકનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત યાર્ડના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
ખેડૂતોના હિત માટે સતત કાર્યરત ગોંડલ યાર્ડની આ મુલાકાત ખેડૂતો અને વેપારીઓ માટે પ્રેરણારૂપ બની રહી હતી.(તસવીર: ભાવેશ ભોજાણી-ગોંડલ)
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
