<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

જામનગરના દરેડ જીઆઈડીસીમાં 'માંડવરા ટ્રેડિંગ કંપની' દ્વારા આચરાયેલું કરોડોનું GST કૌભાંડ પકડાયું : ૨૩.૦૮ કરોડની બોગસ વેરાશાખ મેળવનાર આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની SGST વિભાગ દ્વારા ધરપકડ

ફેસ-૩ ના પ્લોટ નંબર-૩૧૨૮ પર આવેલી પેઢી સામે GST વિભાગની લાલ આંખ : પિતા - પુત્રની જોડીએ ખોટા બિલિંગ દ્વારા સરકારી તિજોરીને પહોચાડ્યું ભારે નુકસાન : સ્થાનિક વેપારી આલમમાં ભારે ચર્ચા

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:ગુજરાતના અગ્રણી ઔદ્યોગિક નગર ગણાતા જામનગરમાંથી એક મસમોટું આર્થિક કૌભાંડ અને કરચોરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના પ્રખ્યાત દરેડ જીઆઈડીસી ફેસ-૩ વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત પેઢી દ્વારા આચરવામાં આવેલા કરોડો રૂપિયાના જીએસટી (GST) કૌભાંડનો રાજ્ય વસ્તુ અને સેવા કર (SGST) વિભાગે પર્દાફાશ કર્યો છે. આ ચકચારી કૌભાંડમાં સંડોવાયેલી 'માંડવરા ટ્રેડિંગ કંપની' (Mandovara Trading Co.) નામની પેઢી સામે વિભાગ દ્વારા કાયદાનો સકંજો કસવામાં આવ્યો છે. સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાના આ ગંભીર ગુનામાં પેઢીના સંચાલકો એવા આયુષ સુરેશચંદ્ર શાહ અને તેમના પિતા સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવતા સમગ્ર જામનગરના ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.
અધિકૃત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દરેડ જીઆઈડીસી ફેસ-૩ ના પ્લોટ નંબર-૩૧૨૮ પર કાર્યરત માંડવરા ટ્રેડિંગ કંપની લાંબા સમયથી શંકાસ્પદ આર્થિક વ્યવહારો કરી રહી હોવાની કડીઓ મળી હતી. જેના આધારે એસજીએસટી (SGST) વિભાગની ઉચ્ચ અધિકારીઓની ટીમોએ આ સ્થળ પર આકસ્મિક દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિભાગની પ્રાથમિક તપાસ અને ચોપડાઓની ચકાસણી દરમિયાન પિતૃ-પુત્રની આ જોડીના કાળા કારનામાઓ સામે આવ્યા હતા. આયુષ સુરેશચંદ્ર શાહ અને સુરેશચંદ્ર મૂલચંદ્ર શાહ દ્વારા માત્ર કાગળ પર જ બોગસ બિલિંગનું મોટું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે. કોઈપણ પ્રકારના માલની વાસ્તવિક હેરફેર કે ખરીદ-વેચાણ વગર જ માત્ર કાગળિયાં દોડાવીને સરકારી નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવેલી સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, આરોપી પિતા-પુત્રએ ભેગા મળીને સરકાર પાસેથી અંદાજે રૂ. ૨૩.૦૮ કરોડ (તેવીસ કરોડ અને આઠ લાખ રૂપિયા) ની જંગી ખોટી વેરાશાખ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ - ITC) મેળવી લીધી હતી. આ મસમોટી રકમની ખોટી વેરાશાખ ઊભી કરીને બંને આરોપીઓએ સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું સીધું અને મોટું નુકસાન પહોંચાડ્યું છે. કાયદાકીય જોગવાઈઓનો દુરુપયોગ કરીને આચરાયેલી આ આર્થિક નુકસાનીના પગલે વિભાગે તાત્કાલિક અસરથી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરીને બંને ભેજાબાજોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
દરેડ જીઆઈડીસી જેવા ધમધમતા વિસ્તારમાં આટલી મોટી રકમનું કૌભાંડ બહાર આવતા અને એસજીએસટી વિભાગના કડક વલણને પગલે સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારા આ મસમોટા કૌભાંડના મૂળિયાં કેટલા ઊંડા છે તે જાણવા માટે વિભાગે હવે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. માંડવરા ટ્રેડિંગ કંપની દ્વારા ભૂતકાળમાં કઈ-કઈ અન્ય કંપનીઓ કે વેપારીઓ સાથે નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા અને આ નેટવર્કમાં અન્ય કયા સ્થાનિક કે બહારના શખ્સો સંડોવાયેલા છે, તે તમામ કનેક્શન્સ અંગે એસજીએસટી વિભાગે અત્યારે સઘન તપાસ તેજ કરી દીધી છે, જેથી આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(10:43 PM IST)