તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
જીએસટી રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ઈ વે બીલના પ્રશ્નો ઉકેલવા, કસ્ટમ જીએસટી વચ્ચે સિંગલ વિન્ડો શરૂ કરી નિકાસકારોની મુશ્કેલી દૂર કરવા કચ્છના ઉદ્યોગ સંગઠન ફોકિયાની માંગ
જીએસટીના નવા સુધારાઓના અમલીકરણમાં સ્પષ્ટતા, પેન્ડિંગ કેસોમાં રાહત, સેઝના પ્રશ્નો અંગે CBIC ચેરમેન સમક્ષ રજૂઆત; કચ્છના ઉદ્યોગો સાથે બેઠક યોજવા પણ અનુરોધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : 57મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સૂચિત નવા સુધારાઓના અમલીકરણ દરમિયાન કચ્છના ઉદ્યોગોને પડનારી વ્યવહારુ મુશ્કેલીઓ અને વિવિધ જોગવાઈઓ અંગે સ્પષ્ટતા મેળવવા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન્સ (ફોકિઆ) દ્વારા CBICના ચેરમેન વિવેક ચતુર્વેદી સમક્ષ અમદાવાદ ખાતે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. ફોકિઆએ રિફંડ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC), નિકાસકારોની સમસ્યાઓ, સેઝ અને ઈ-વે બિલ સહિતના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી ઉદ્યોગોને રાહત આપવા માંગ કરી હતી. ફોકિઆના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકે દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે કચ્છના ઉદ્યોગો લાંબા અંતરના પરિવહન, કંડલા-મુન્દ્રા બંદરો, મોટા મૂડીરોકાણ અને નિકાસ આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી જીએસટીના નિયમોનું સરળ અને સ્પષ્ટ અમલીકરણ જરૂરી છે.
ફેડરેશને જીએસટી નોંધણી અને રદ કરવાની પ્રક્રિયામાં વધારાના દસ્તાવેજોની માંગ અટકાવવા, નિર્ધારિત સમયમાં મંજૂરી ન મળે તો તેની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરવા તથા પેન્ડિંગ રિફંડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશનની સમસ્યાઓના ઉકેલ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી. ICEGATE, EDPMS અને SEZ Online વચ્ચેના સિસ્ટમ સંકલનને કારણે નિકાસકારોના રિફંડમાં થતા વિલંબને દૂર કરવા કસ્ટમ્સ અને જીએસટી વિભાગની સંયુક્ત સિંગલ વિન્ડો વ્યવસ્થા કરવાની પણ ભલામણ કરવામાં આવી હતી.
કચ્છના વીજળી, સિમેન્ટ, મીઠું, સિરામિક્સ, ટેક્સટાઇલ અને બંદર આધારિત મોટા પ્રોજેક્ટ્સને ધ્યાનમાં રાખીને ITCના રિફંડ, મૂડીગત માલ અને ઇનપુટ સર્વિસ પરની નવી જોગવાઈઓ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી. અગાઉથી શરૂ થયેલા પ્રોજેક્ટ્સને જૂના ITC બેલેન્સના ઉપયોગ માટે એક વખતની તક આપવા તેમજ પાઇપલાઇન સહિતની ઔદ્યોગિક સુવિધાઓને ITC માટે પાત્ર ગણવા રજૂઆત કરાઈ હતી.
આ ઉપરાંત નિયમ 86A હેઠળ ITC બ્લોક કરવા સામેના વાંધાઓનો સમયસર નિકાલ, નિકાસકારોને નિયમ 96(10) સંબંધિત રાહત, સેઝ અને ફ્રી ટ્રેડ વેરહાઉસિંગના નિયમોમાં સ્પષ્ટતા તથા ઈ-વે બિલના કારણે આંતરરાજ્ય પરિવહનમાં વાહનો અટકાવવાની સમસ્યાઓ દૂર કરવા માંગ કરવામાં આવી હતી. નાની ટેકનિકલ ભૂલો માટે પ્રમાણસર દંડ અને વાહન છોડવાની સમયમર્યાદા નક્કી કરવાની પણ ભલામણ કરાઈ હતી. ફોકિઆએ નવા નિયમો અને સર્ક્યુલરના ડ્રાફ્ટ પર ઉદ્યોગો પાસેથી ઓછામાં ઓછા 30 દિવસ સુધી સૂચનો મંગાવવા, સુધારાઓની અમલ તારીખોનું સ્પષ્ટ કેલેન્ડર જાહેર કરવા તથા GST પૂર્વેના પેન્ડિંગ વિવાદોના કાયમી ઉકેલ માટે ‘વિવાદ સે વિશ્વાસ’ જેવી યોજના અમલમાં મૂકવાની માંગ કરી હતી.
અમદાવાદ ખાતેની બેઠકમાં ફોકિઆ વતી ક્ષેત્ર નિષ્ણાત શરણ રાયપ્રોલ, DP વર્લ્ડના ડિરેક્ટર સેલ્સ પરાગ કોચર, મુન્દ્રા પોર્ટ એન્ડ ટર્મિનલના મેનેજર કોમર્શિયલ એન્ડ માર્કેટિંગ અમિત ત્રિવેદી, રત્નમણિના સિનિયર કોમર્શિયલ મેનેજર લાલસિંહ મકવાણા તથા આશાપુરા ગ્રુપના મેનેજર અરુણ રાઠોડ સહિતના ઉદ્યોગ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ફોકિઆના શિવાની ભગત દ્વારા આ વિગતો આપવામાં આવી હતી.
ફેડરેશને CBICના અધિકારીઓ સાથે કચ્છ ખાતે બેઠક યોજવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, જેથી સ્થાનિક ઉદ્યોગોની સમસ્યાઓ અંગે સીધી ચર્ચા કરી વ્યવહારુ ઉકેલ લાવી શકાય. જીએસટી વ્યવસ્થાને વધુ સરળ, પારદર્શક અને ઉદ્યોગલક્ષી બનાવવા રજૂ કરાયેલા સૂચનો પર યોગ્ય કાર્યવાહી કરવાની ફોકિઆએ આશા વ્યક્ત કરી હતી.
(9:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
